PM મોદીએ બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી

ગુવાહાટીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત આજે આસામના ૨૫ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને બ્રહ્મપુત્ર નદી પર ક્રૂઝ પર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જે બોર્ડની પરીક્ષાઓ પહેલા વડા પ્રધાનનું વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટેનું એક અનોખું સ્થળ હતું.
અહેવાલો અનુસાર વડા પ્રધાન જહાજના ઉપરના ડેક પર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અને આગામી પરીક્ષાઓ પહેલા તણાવનો સામનો કરવા વિશે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
મુખ્ય પીપીસી કાર્યક્રમ જાન્યુઆરી ૨૦૨૬માં યોજાવાનો છે. પરંતુ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ઉમેદવારો ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી નોંધણી કરાવી શકે છે.
અત્યાર સુધીમાં ૧,૫૪,૩૩,૨૮૫ લોકોએ કાર્યક્રમ માટે અરજી કરી છે. જેમાં ૧,૪૩,૪૦,૯૧૬ વિદ્યાર્થીઓ, ૯,૪૧,૫૧૫ શિક્ષકો અને ૧,૫૦,૮૫૪ વાલીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને તણાવ અને ચિંતાનો સામનો કરવામાં મદદ કરવા માટે પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદી વિદ્યાર્થીઓને પરીક્ષાઓ અને જીવનમાં આગળ વધવા અંગે માર્ગદર્શન આપે છે તેમ જ તેમના માનસિક સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા અને તેમના આત્મવિશ્વાસને વધારવા પર ભાર મૂકે છે. આમાં એક ખુલ્લો સંવાદ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સીધા વડા પ્રધાન મોદીને પ્રશ્નો પૂછી શકે છે.



