
મુંબઈઃ ભાજપના નેતા અને સાંસદ નારાયણ રાણેને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાતે નારાયણ રાણેને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના પર આજે સર્જરી કરવામાં આવશે. જોકે, નારાયણ રાણે પર ચોક્કસ કયા કારણસર સર્જરી કરવામાં આવશે એની માહિતી હજી નથી મળી રહી.
નારાયણ રાણે ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે અને એક સમયે તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાવવા પહેલાં નારાયણ રાણે કટ્ટર શિવસૈનિક હતા, પરંતુ બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને આખરે રાણેએ ભાજપમાં જોડાવવાનું નક્કી કર્યું અને થોડાક સમય માટે તેઓ કેન્દ્રિય પ્રધાન તરીકેની ફરજ પણ બજાવી ચૂક્યા છે. નારાયણ રાણેના બંને દીકરા નિતેશ અને નિલેશ રાણે પણ વિધાનસભ્ય છે. નિતેશ રાણે રાજ્ય સરકારમાં પ્રધાન પણ છે.
એક સમયના કટ્ટર શિવસૈનિક નારાયણ રાણે હાલમાં ઉદ્ઘવ ઠાકરેના કટ્ટર વિરોધક છે. તેઓ હંમેશા જ શિવસેના યુબીટી અને ઉદ્ધવ ઠાકરે પર ટીકા કરવાનો એક પણ મોકો છોડતા નથી. નારાયણ રાણે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. તેમણે મહારાષ્ટ્ર સરકારમાં મુખ્ય પ્રધાનપદ સહિત વિવિધ પદો પર ફરજ ભજવ્યા છે.
જોકે, હાલમાં નારાયણ રાણેને કયા કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેમના પર કઈ સર્જરી કરવામાં આવશે એની ચોક્ક્સ જાણકારી નથી મળી રહી.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં જવાહર ચાવડા વર્સીસ ભાજપના નેતાઓનો જંગ શરૂ, જવાહર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, જુઓ વીડિયો…