આ દેશમાં હાથી-હિપ્પો જેવા 700 પ્રાણીઓનો ભોગ લઇને લોકોને ભોજન પીરસવામાં આવશે, શું છે કારણ…

નવી દિલ્હી: આફ્રિકાના ખંડના દક્ષિણમાં આવેલો દેશ નામિબિયા સદીના સૌથી ખરાબ દુષ્કાળનો (Namibia Drought) સામનો કરી રહ્યો છે, જેને કારણે દેશમાં ગંભીર ભૂખમરા(acute food insecurity)ની પરિસ્થિતિ ઉભી થઇ છે, દેશની વસ્તીના અડધાથી વધુ 14 લાખ લોકોને ભોજન નથી મળી રહ્યું. એવામાં નામિબિયાની સરકારે ચોંકાવનારો નિર્ણય લીધો છે, નામિબિયાની સરકારે દુષ્કાળથી પ્રભાવિત લોકોને ભોજન પૂરું પાડવા હાથી, ઝીબ્રા, હિપ્પો સહિત સેંકડો પ્રાણીઓની હત્યાને મંજૂરી આપી છે.
નામિબિયાના પર્યાવરણ, વનસંવર્ધન અને પર્યટન મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે દુષ્કાળ રાહત કાર્યક્રમના ભાગ રૂપે 723 પ્રાણીઓના માંસનું વિતરણ કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય દેશમાં ભૂખમરાના વધતા સંકટને દૂર કરવાનો છે.

એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે “મંત્રાલય 723 પ્રાણીઓનું બલિદાન આપશે, જેમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લુ વિલ્ડરબીઝ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 એલેન્ડ્સનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી મેળવવામાં આવશે.”
દરમિયાન, આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા દેશોમાં કુલ મળીને લગભગ 6 કરોડથી વધુ લોકો અલ નીનોને કારણે સર્જાયેલા દુષ્કાળની અસરો ભોગવી રહ્યા છે. દુષ્કાળને કારણે સમગ્ર પ્રદેશમાં પાક બરબાદ થઇ ગયો છે.
2024ની શરૂઆતમાં શરૂ થયેલા દુષ્કાળે પાક અને પશુધનના ઉત્પાદનને અસર કરી છે, જેના કારણે ખાદ્યપદાર્થોની અછત સર્જાઈ છે અને અર્થવ્યવસ્થાને વ્યાપક નુકસાન થયું છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં 16-રાષ્ટ્રોના સધર્ન આફ્રિકન ડેવલપમેન્ટ કોમ્યુનિટી (SADC) ના રાજ્યોના વડાઓ ખાદ્ય સુરક્ષા સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી.
ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવી સહિતના દેશોએ પહેલેથી જ ભૂખમરાની કટોકટીને આપત્તિની સ્થિતિ જાહેર કરી છે, જ્યારે લેસોથો અને નામિબિયાએ માનવતાવાદી સમર્થન માટે અપીલ કરી છે.