નાગપુર જળબંબાકાર: 400ને બચાવાયા
નાગપુર જળમગ્ન:
મૂક-બધિર શાળામાંથી બાળકીઓને બોટમાં બચાવીને જઈ રહેલો એનડીઆરએફનો જવાન. (પીટીઆઈ)
નાગપુર: ભારે વરસાદને કારણે નાગપુરના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું. જોકે, 400 જણને બચાવી લેવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું.
14 જેટલા પશુ પણ મૃત્યુ પામ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઉગારી લેવામાં આવેલા 400 જણમાં મૂકબધિર શાળાના 70 વિદ્યાર્થીઓ તેમ જ લાડ કૉલેજની 50 વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ થાય છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર જિલ્લા કલેક્ટરને ફોન કરીને પૂરની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી અને અસરગ્રસ્તોને જરૂરી તમામ સુવિધા પૂરી પાડવાનો આદેશ આપી દીધો હતો.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ (એસડીઆરએફ)ની ટુકડી બચાવ કામગીરીમાં જોતરાઈ છે અને જે વિસ્તારમાં તળાવ છલકાઈ ગયું છે તે વિસ્તારમાં સેનાની બે ટુકડીને અંબારાઝી વિસ્તારમાં પહોંચાડવામાં આવી હતી.
નાગપુરમાં શુક્રવાર મધરાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. રાત્રે 2:00થી 4:00 એમ બે કલાકમાં 90 મિ.મિ. વરસાદ પડ્યો હતો.
વહેલી સવારે 5:30 વાગ્યા સુધીમાં નાગપુરમાં 106 મી.મી. વરસાદ પડ્યો હોવાનું હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.
સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ શાળા અને કૉલેજોમાં રજા જાહેર કરી દીધી હતી.
પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું ફડણવીસે કહ્યું હતું.
સતત વરસતા વરસાદને કારણે અંબારાઝી તળાવ છલકાઈ ગયું હોવાને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તાર વધુ પ્રભાવિત થયા હતા. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા વધુ બચાવટુકડીઓને કામ પર લગાડવાનો ફડણવીસે નાગપુર કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આદેશ આપી દીધો હતો.
એનડીઆરએફ અને એસડીઆરએફ પ્રત્યેકની બે ટુકડીને સાત ગ્રૂપમાં વિભાજિત કરી દેવામાં આવી હતી. આ ગ્રૂપે 400 જણને ઉગારી લીધા હતા.
અગ્નિશમન દળના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હોવાનું ફડણવીસે કહ્યું હતું.
કોઈપણ અફવા પર ધ્યાન ન આપવાની ફડણવીસે લોકોને અપીલ કરી હતી.
જરૂરી કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવાની પણ ફડણવીસે લોકોને અપીલ કરી હતી.
નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.
અમરાવતી, યવતમાળ અને ગઢચિરોલીમાં હળવાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. (એજન્સી)