નેશનલ

ન ઉમ્ર કી સીમા હો..4 સંતાનોની માતાને કાકાસસરામાં દેખાયો મનનો માણીગર અને..

બિહાર: ગોપાલગંજ જિલ્લામાં ભારે આશ્ચર્ય જન્માવતી એક ઘટના બની છે. ચાર બાળકોની માતા એવી એક મહિલાએ તેના જ કાકાસસરા સાથે બિન્દાસપણે પોલીસ સ્ટેશનની અંદર જ લગ્ન કરી લીધા હતા અને સ્થાનિકોને ચોંકાવી દીધા હતા.
લોકપ્રિય ગઝલ ગાયક જગજિતસિંહની ગઝલના એ શબ્દો “ન ઉમ્ર કી સીમા હો, ન જન્મો કા હો બંધન..” આ ઘટનાનું બરાબર વર્ણન કરે છે. પ્રેમી યુગલોને પ્રેમ સિવાય કંઇ જ દેખાતું નથી હોતું. ન ઉંમર, ન સમાજ, ન કોઇ બંધન, આ કોઇપણ વસ્તુની પરવા કર્યા વિના તેઓ તેમની દુનિયા બનાવી જ લેતા હોય છે.

મૂળ બનાવ એ બન્યો છે કે ગોપાલગંજ પાસેના એક ગામડામાં પોતાના 4 સંતાનો સાથે રહેતી આ મહિલાના પતિનું 6 મહિના પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. આથી તે વિધવા તરીકે માંડ માંડ જીવન વ્યતિત કરી રહી હતી. પતિના મૃત્યુ બાદ ઘર ચલાવવું, બાળકોનો ઉછેર સહિતની તમામ જવાબદારીઓ તેના પર આવી ગઇ. દુ:ખની આ ઘડીમાં તેના કાકાસસરા થોડોઘણો ટેકો આપવા લાગ્યા. તેઓ વિધવા અને તેના બાળકોનું ધ્યાન રાખતા, તેમની નાનીમોટી જરૂરિયાતો પૂરતા. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. જો કે સ્વાભાવિક છે કે પરિવાર-સમાજને આ સંબંધ સ્વીકાર્ય નહોતો જ. પણ બંને લડ્યા. પોલીસ સ્ટેશન સુધી પહોંચવાની નોબત આવી ગઇ તેમ છતાં એકબીજાનો સાથ છોડ્યો નહી.

પરિવારજનોના ભારે વિરોધ અને આક્રોશ સામે પણ બંનેને અડીખમ જોઇને પોલીસ તેમની મદદમાં આવી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની હાજરીમાં જ બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. હવે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને પોતાના બાળકોને પણ એક સહારો મળી ગયો હોવાનો વિધવા સંતોષ અનુભવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button