
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં અંદાજે 144 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આ ભૂકંપના આંચકાના કારણે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ભૂકંપના કારણે કેટલા લોકોના મોત થયા? કેટલા ઘાયલ થયા? અને કેટલું નુકસાન થયું તેની કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. મ્યાનમાર વિશ્વના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. મ્યાનમારની લશ્કરી સરકારના વડા, સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગે ટેલિવિઝન પર જાહેરાત કરતા કહ્યું, ‘મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ’
આ પણ વાંચો: Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમા આવેલા ભૂકંપની અસર ભારતમાં કરોડો રૂપિયાના વ્યવસાયો પર પડવાની શક્યતા
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ક્રમશઃ 7.7 અને 7.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં ઇમારતો, પુલો અને બૌદ્ધ મઠો ધ્વસ્ત થઈ ગયાં હતાં. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકાને કારણે નિર્માણાધીન એક બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 10 લોકોનું મોત થયું હોવાનું અનુમાન છે.
આજે સવારે 5.16 કલાકે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમીનથી 180 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. પરંતુ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપના કારણે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બહુમાળી ઇમારત સહિત ત્રણ બાંધકામ સ્થળો ધરાશાયી થયાં હતાં. આ ઘટનામાં દસ લોકોના મોત થયા છે, 16 ઘાયલ થયા છે અને 101 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે બપોરે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક હતું.
મ્યાનમારમાં અત્યારે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં ફેબ્રુઆરી 2021માં સૈન્યએ આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી. સૈન્યએ મ્યાનમારના મોટાભાગના ભાગ પર નિયંત્રણ ગુમાવી દીધું છે, અને ઘણી જગ્યાઓ અત્યંત જોખમી છે અથવા સહાય જૂથો માટે પહોંચવું અશક્ય છે. આ ગૃહયુદ્ધ વચ્ચે અત્યારે ભૂકંપના કારણે લોકોની હાલત વધારે કફોડી બની છે.
આ પણ વાંચો: ભૂકંપે મ્યાનમાર-થાઈલેન્ડમાં તારાજી સર્જી, ઐતિહાસિક મંદિરો અને બહુમાળી ઈમારતો ધરાશાયી, જુઓ તસવીરો…
ભૂકંપ મામલે મ્યાનમાર સરકારે કહ્યું કે, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોહીની ખૂબ જ જરૂર છે. એક એવા દેશમાં જ્યાં અગાઉની સરકારો ક્યારેક વિદેશી સહાય સ્વીકારવામાં ધીમી રહી છે, મિન આંગ હ્લેઇંગે કહ્યું કે મ્યાનમાર સહાય સ્વીકારવા તૈયાર છે. અત્યારે મ્યાનમારને ખરેખર સહાયની ખૂબ જ જરૂર છે, આવી સ્થિતિમાં ભારતે મદદ માટે હાથ લંબાવ્યો છે.
ભારતે મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્ર મોકલાવી છે. ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ વિમાન હિંડોન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે રાહત સામગ્રી લઈને રવાના થયું, જેમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ભોજન, સેનિટેશન કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કપાસની પટ્ટીઓ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 મિલિયન ડોલરની સહાય પૂરી પાડી છે.
ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટીના મ્યાનમાર ડિરેક્ટર મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે: વિનાશકારી ભૂકંપના કારણે રોડ-રસ્તા, ઘરો અને પુલ બધું જ ધરાશાયી થઈ ગયું છે.આ વિનાશની હદનું મૂલ્યાંકન કરવામાં ઘણા અઠવાડિયા લાગી શકે છે. જ્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે અંદાજ લગાવ્યો છે કે મૃત્યુઆંક 1,000 થી પણ વધારે હોઈ શકે છે.