બુલેટ ટ્રેન, મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ્સમાં વિલંબ માટે એમવીએ સરકાર જવાબદાર: સીતારમણ
મુંબઈ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે ભૂતકાળની ‘કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર’ પર મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો કાર શેડ સહિત અનેક મહત્ત્વના માળખાકીય પ્રોજેક્ટ્સને લટકાવવાનો આરોપ મૂક્યો હતો.
જ્યારે કેન્દ્ર સરકારે મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કને લગતા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની અગાઉની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારે અવરોધો ઊભા કર્યા હતા, એવો દાવો તેમણે કર્યો હતો.
સીતારમણ રાજ્ય ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં બોલી રહ્યા હતા જ્યાં ભાજપની આગેવાની હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ પહેલા દેવેન્દ્ર ફડણવીસને ભાજપના વિધિમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સીતારમણ, વિજય રૂપાણી સાથે કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.
‘જો કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર એમવીએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં સત્તામાં ન હોત, તો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પહેલાં જ ચાલુ થઈ ગઈ હોત, એમ તેમણે કહ્યું હતું.
સીતારમણે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટના ભાગરૂપે આરે કાર શેડના નિર્માણમાં વિલંબ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પર્યાવરણીય જૂથોએ આરે કોલોનીના હરિયાળા વિસ્તારમાં તેના બાંધકામનો વિરોધ કર્યા પછી એમવીએ સરકારે તેનું સ્થાન બદલી નાખ્યું હતું.
20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને ‘અભૂતપૂર્વ અને અણધાર્યા’ ગણાવતાં તેમણે અગાઉની ‘કોંગ્રેસની આગેવાની હેઠળની એમવીએ સરકાર’ પ્રત્યે મતદારોના અસંતોષને ભાજપની સફળતાનો શ્રેય આપ્યો હતો.
‘કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની કામગીરીથી લોકો પરેશાન અને ચિંતિત હતા. તેથી જ તેઓએ આ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમે લોકોને કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા નુકસાનની યાદ અપાવીશું, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ડબલ એન્જિન સરકાર’ પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂરા કરશે અને મહારાષ્ટ્રને ઝડપી વિકાસ તરફ લઈ જશે, એમ સીતારમણે જણાવ્યું હતું.
તેમણે રાજ્ય માટે કેન્દ્ર સરકારની મુખ્ય પહેલોનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે રૂ. 76,000 કરોડના વાઢવણ પોર્ટ પ્રોજેક્ટ અને મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવી.
આ પણ વાંચો : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સામે FIR નોંધાઈ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું
‘મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને ફિનટેક સેક્ટર આર્થિક પ્રગતિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અમારા પ્રયાસોથી, આ ક્ષેત્રમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ અકબંધ રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
નાણામંત્રીએ ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં ડુંગળી, લસણ અને દ્રાક્ષ જેવા પાકો માટે નવા ગોડાઉનો અને વૈજ્ઞાનિક પેકેજિંગ એકમોમાં રોકાણ સાથે કૃષિ માળખાગત સુવિધાઓને વેગ આપવાની યોજનાઓની પણ રૂપરેખા આપી હતી.
પૂણે અને તીર્થસ્થળ પંઢરપુર વચ્ચેના વારકરી કોરિડોર જેવા પ્રોજેક્ટો દર્શાવે છે કે મહારાષ્ટ્ર અને તેની સંસ્કૃતિ વડાપ્રધાન માટે કેટલી મહત્વની છે.
‘ચાલો મહારાષ્ટ્રને એક શક્તિશાળી રાજ્ય બનાવીએ. હમ એક હૈ તો સેફ હૈ’ એમ તેમણે નવા ચૂંટાયેલા પક્ષના વિધાનસભ્યોને જણાવ્યું હતું. (પીટીઆઈ)