બોન મેરો વગરનું મટન જોઈને વરરાજા પક્ષ રોષે ભરાયો, મામલો પોલીસ સુધી પહોંચ્યો
હૈદરાબાદ: તેલંગાણાના નિઝામાબાદમાં એક સગાઇ સમારંભ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. સગાઇ થઇ ગયા બાદ વરરાજા પક્ષે ફક્ત એટલા માટે લગન તોડી નાખ્યા કે કન્યા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા નોન-વેજ મેનૂમાં મટન બોન મેરો પીરસવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં નારાજ વરરાજા પક્ષ કન્યા પક્ષ સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
માહિતી મુજબ કન્યા તેલંગાણાના નિઝામાબાદની રહેવાસી છે, જેની જગતિયાલ રહેવાસી યુવાન સાથે સગાઇ નક્કી થઇ હતી. નવેમ્બરમાં યુવતીના ઘરે સગાઈ સમારંભ યોજાયો હતો. સમારંભમાં કન્યાના પરિવારે તમામ મહેમાનો માટે નોન-વેજ મેનુની વ્યવસ્થા કરી હતી. સગાઈના સમારોહ પછી મહેમાનોએ કહ્યું કે મટનમાં બોન મેરો પીરસવામાં આવ્યું નથી, ત્યારે ઝઘડો શરુ થયો. વર-કન્યા પક્ષ વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે પોલીસને બોલાવવામાં આવી.
સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વરરાજાના પરિવારને ઝઘડો ઉકેલવા માટે સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ વિવાદ શાંત ન થયો. વારરાજા પક્ષે દલીલ કરી હતી કે કન્યાના પરિવારે જાણીજોઈને હકીકત છુપાવી હતી કે મટન બોન મેરો મેનુમાં નથી.
આખરે, વરરાજાના પરિવારે લગ્ન તોડી નાખતાં સગાઈ સમારંભ સમાપ્ત થયો હતો. દરમિયાન પોલીસે દુલ્હનના પક્ષને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.
આ ઘટના એક લોકપ્રિય તેલુગુ ફિલ્મની વાર્તા જેવી છે. માર્ચમાં રીલિઝ થયેલી ‘બાલાગામ’ ફિલ્મના એક દ્રશ્યમાં મટન બોન મેરો પર બે પરિવારો વચ્ચેના વિવાદ બાદ લગ્ન તૂટી જાય છે.