
નવી દિલ્હી: આજે સોમવારે (24 માર્ચ) રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો, કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો મુદ્દો ગૃહમાં ચર્ચાનો વિષય (Muslim Reservation) રહ્યો. ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ અનામત અંગે કેટલાક આરોપ લગાવ્યા, ત્યાર બાદ ભારે હોબાળો થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષના આરોપોને નકારી કાઢ્યા, છતાં ગૃહમાં ઉગ્ર દલીલો ચાલી, જેના કારણે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો…સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ(Kiren Rijiju )એ કર્ણાટક સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે એવો આરોપ લગાવ્યો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જરૂર પડે તો તેઓ બંધારણમાં પણ ફેરફાર કરવા તૈયાર છે.
રિજિજુએ એમ પણ કહ્યું કે જો આ નિવેદન કોઈ સામાન્ય માણસ દ્વારા આપવામાં આવ્યું હોત, તો તેઓ તેને અવગણી શક્યા હોત, પરંતુ આ નિવેદન બંધારણીય પદ રહેઅલા વ્યક્તિએ આપ્યું, જે ખૂબ જ ચિંતાજનક છે.
કોંગ્રેસ પર ગંભીર આરોપ:
કોંગ્રેસ પર પ્રહાર કરતા રિજિજુએ કહ્યું કે તેઓ (કોંગ્રેસ નેતા) બાબા સાહેબ આંબેડકરની તસવીર ગળામાં લટકાવીને ફરે છે, પરંતુ હવે તેઓ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે. બંધારણમાં સુધારો કરીને મુસ્લિમ સમુદાયને અનામત આપવાની તેમની યોજના શું છે?
ખડગેને સ્પષ્ટતા:
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે કોંગ્રેસનો બંધારણ સાથે છેડછાડ કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે ભારતના બંધારણને બચાવવાનું કામ ફક્ત કોંગ્રેસે જ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે બંધારણમાં ફેરફારની કોઈ શક્યતા નથી અને આ બધું અફવા ફેલાવવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો…વક્ફ સુધારા બિલ વિરુદ્ધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત
નડ્ડાએ પણ ઝંપલાવ્યું:
ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બંધારણના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે ધર્મના આધારે કોઈ અનામત નહીં મળે. કોંગ્રેસ બંધારણના રક્ષણનો ઢોલ વગાડે છે, પરંતુ હવે એ જ પક્ષ બંધારણ બદલવાની વાત કરી રહ્યો છે.