આપણા દેશની આ તો છે ખાસિયતઃ મુસ્લિમ પરિવારના દિવાળી સેલિબ્રેશનનો વીડિયો વાયરલ | મુંબઈ સમાચાર
નેશનલ

આપણા દેશની આ તો છે ખાસિયતઃ મુસ્લિમ પરિવારના દિવાળી સેલિબ્રેશનનો વીડિયો વાયરલ

ભારત દેશની વિવિધતા જ તેની આત્મા છે. એક વર્ગ ભલે ધર્મના નામે બે સમુદાયો વચ્ચે ભેદ કરતો રહે, પરંતુ સરેરાશ ભારતીય તો એકબીજા સાથે ભાઈચારા અને પ્રેમથી રહેવામાં જ માને છે. ખાસ કરીને તહેવારોમાં ધર્મ-જાતિના વાડા ભૂલી જઈ ઉજવણીનો આનંદ માણે છે. એવા લાખો હિન્દુઓ છે જે ઈદ વખતે મિજબાની ખાવા કે ઈફ્તાર માણવા મુસ્લિમ મિત્રોને ત્યાં પહોંચી જાય છે તો દિવાળીના મઠીયા ને ઘુઘરા ખાવાનું મુસ્લિમો પણ એટલું જ પસંદ કરે છે. 31 ડિસેમ્બરની રાત્રે દરેક ધર્મના લોકો ખ્રિસ્તી નવું વર્ષ આતશબાજી સાથે ઉજવે છે.

જોકે ઘણીવાર પરિવાર કે બીબીઢાળ-રૂઢિચુસ્ત સમાજ ધર્મના વાડા ઊભા કરી દે છે, પરંતુ નવી પેઢી તેનો ઈલાજ પણ શોધી લે છે. આવો જ એક યંગ મુસ્લિમ પરિવાર પોતાના ઘર-સમાજથી દૂર એકલા એકલા દિવાળી મનાવી રહ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. @KantInEastt નામના યુઝરે ટ્વીટર પર ટ્વીટ કર્યો છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે ખબર નથી, પણ નેટીઝન્સને ખૂબ ગમી રહ્યો છે. મુંબઈ સમાચાર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: 11 વર્ષથી મહારાષ્ટ્રના આ ગામમાં દિવાળીમાં નથી ફૂટ્યો એક પણ ફટાકડો, કારણ જાણીને તમે પણ…

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દંપતી તેમના બે સંતાન સાથે એક બ્રિજ પર આવે છે. પોતાનું ટુ વ્હીલર પાર્ક કરી અહીં બાળકો સાથે ફટકાડા ફોડવાની મજા લઈ રહ્યું છે. આ વીડિયો લોકોને ખૂબ ગમી રહ્યો છે. લોકો આને જ ભારતની શાન કહે છે. પરિવાર જે રીતે એકલો આવ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે એવા માહોલમાં રહેતો હશે જ્યાં હિન્દુઓનો તહેવાર ઉજવો તેમની માટે શક્ય નહીં હોય. બાળકો માટે તહેવાર ગમે તે હોય ફટાકડા ફોડવાની મજા જ મહત્વની હોય છે. આશા રાખીએ આ પરિવાર બાળકોને ધર્મ-જાતિ વચ્ચે ભેદ ન કરતા બધાને પ્રેમ કરવાની અને સન્માન આપવાની ભાવના શિખવાડે. જો દરેક પરિવાર આમ કરશે તો દેશ ખરા અર્થમાં ઝગમગી ઉઠશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button