કર્ણાટકમાં એક પરિવારના ચારની હત્યાના આરોપીની કબૂલાત તમને ચોંકાવી દેશે
એક માથા ફરેલા માણસના એક તરફી પ્રેમ કે મહિલાના નકારે ચાર જણને વિના વાંકે મોતને ઘાટ ઉતાર્યા છે. આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે. કર્ણાટક પોલીસે ઉડુપી જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા 37 વર્ષીય પ્રવીણ અરુણ ચૌગલેની ધરપકડ કરી છે. તેણે મેંગલુરુ ખાતે 23 વર્ષીય અને તેની માતા હસીના (46), અયનાઝ (21) અને આસિમ (12)ની તેમના ઘરે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ ચોંકાવનારી ઘટના 12 નવેમ્બરે પ્રકાશમાં આવી હતી. હસીનાના પતિ દુબઈમાં નોકરી કરે છે. આરોપી અફનાન સાથે કામ કરતો હતો અને તેના એક તરફી પ્રેમમાં હતો. તે પોતે પણ પરિણિત છે અને તેના સંતાનો પણ છે.
ઉડુપીના એસપી ડૉ. અરુણએ મીડિયાને જણાવ્યું કે પ્રવીણ અરુણ ચૌગલેએ ચાર હત્યા કર્યાની કબૂલાત કરી છે. અફનાને તેનો પ્રેમ ન સ્વીકારતા તેણે આ પગલું ભર્યું હોવાનું પણ તેણે જણાવ્યાનું પોલીસનું કહેવાનું છે. જોકે તે માત્ર અફનાનને મારવાનો હતો પણ પુરાવાનો નાશ કરવા અને સજાથી બચવા માટે તેણે અન્યની ત્રણની હત્યા કરવી પડી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પ્રવીણ અરુણ ચૌગલે પરિણીત હતો અને તેને બાળકો પણ હતા, પરંતુ તે અફનાન સાથે પ્રેમમાં પડ્યો હતો. બંને વચ્ચે પૈસાની આપ-લે થતી હતી. મામલો તેમના પરિવાર સુધી પહોંચ્યો અને બંને વચ્ચે ઝઘડો થયો. પ્રવીણની પત્નીએ અફનાન અને તેના પરિવારને પણ માર માર્યો હતો.
આ ઘટના બાદ અફનાને પ્રવીણ સાથે તમામ વાતચીત બંધ કરી દીધી હતી. આ સહન ન થતાં આરોપીએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે તેણે પોલીસને કહ્યું કે જ્યારે અફનાનના પરિવારે તેને અફનાનની હત્યા કરતા રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે બાકી ત્રણેયને પણ મારી નાખ્યા.
પોલીસે પ્રવીણની સઘન પૂછપરછ કરી હતી અને હત્યાનો કેસ ઉકેલવા માટે રચાયેલી પાંચ વિશેષ ટીમોએ માહિતી એકઠી કરી હતી કે આરોપી ઓટો લઈને પીડિતાના ઘર પાસે નીચે ઉતર્યો હતો. બાદમાં ટીમોને ખબર પડી કે પ્રવીણ બેલગાંવી જિલ્લાના કુડાચીમાં એક સંબંધીના ઘરે છુપાયેલો છે, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.