નેશનલ

1,400 કિલોમીટરનો પગપાળા પ્રવાસઃ મુંબઈની મુસ્લિમ યુવતીને ભગવાન રામનું લાગ્યું ઘેલું?

મુંબઈ: રામલલાના દર્શન કરવા મુંબઈથી પગપાળા નીકળેલી મુસ્લિમ યુવતી શબનમ શેખ હવે અયોધ્યાથી ફક્ત 179 કિલોમીટર જ દૂર છે. હાલમાં શબનમ યુપીના ફતેહપુર પહોંચી ગઈ છે. શબનમ હિન્દુ ધર્મથી ખૂબ જ પ્રભાવિત છે. તેણે જણાવ્યું હતું કે મે ચાલવાનું શરૂ કર્યું એ બાબતને 35 દિવસ થઈ ગયા છે. અને મારો મુખ્ય હેતુ માત્ર ભગવાન રામના દર્શન કરવાનો છે. તેણે પોતાની વાતમાં એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે મેં બાળપણથી રામાયણ અને રામલીલા જોઈ છે. ભગવાન રામની વાર્તાઓ સાંભળી છે. હું હિંદુ વિસ્તારમાં જ ઉછરી છું એટલે મે ભગવાન રામ વિશે ઘણું બધું શીખ્યું છે અને જોયું છે. હું બાળપણથી જ ભગવાન રામમાં ખૂબ જ વિશ્વાસ ધરાવું છું.

શબનમે કહ્યું હતું કે મારા ત્રણ મિત્રો પણ મારી સાથે પ્રવાસ કરી રહ્યા છે. તેઓ પ્રવાસ દરમિયાન મારું ઘણું ધ્યાન રાખી રહ્યા છે. અમે આખી રાત ચાલીએ છીએ અને તેના કારણે મારા પગમાં છાલા પણ પડી ગયા છે. અને મારા પગમાં દુખાવો પણ થાય છે, મારા મિત્રો જ મારું ધ્યાન રાખી રહ્યા છે. અને તેઓ જ માલિશ કરે છે.


અમે 1400 કિલોમીટરની સફર પૂરી કરી દીધી છે. ખરેખર મારું સૌભાગ્ય છે કે હવે ખૂબજ ટૂંક સમયમાં મને રામલલાના દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે. હું માનું છું કે ભગવાન રામ આપણા બધાની અંદર વસે છે. તેમની કૃપાથી જ મારી અત્યાર સુધીની સફર એકદમ સરળ રહી છે.


શબનમે કહ્યું હતું કે જો ભગવાન રામે 14 વર્ષ વનવાસ ભોગવ્યો હોય તો શું આપણે તેમના મંદિરે જવા માટે પગપાળા મુસાફરી પણ ન કરી શકીએ? મેં જોયું છે કે કેટલાક લોકો રામલલાના દર્શન કરવા સાઇકલ પર તો કેટલાક લોકો બાઇક પર અને કેટલાક પગપાળા પણ જાય છે. ત્યારે જો મને ભગવાન રામના દર્શન કરવા મળે તે મારા માટે ખૂબજ સૌભાગ્યની વાત છે. મે અત્યાર સુધીની 1400 કિલોમીટરની યાત્રા રામનામનો જપ કરીને અને રામ નામની ધૂન કરીને પૂરી કરી છે અને આગળ 179 કિલોમાટરની યાત્રા પણ રામ નામની ધૂન કરીને જ પૂરી કરીશું. મને ભગવાન રામના દર્શન કરવાની એટલી ઉત્સુકતા છે કે હું કોઈ પણ સંજોગોમાં અયોધ્યા પહોંચી જઈશ.


નોંધનીય છે કે શબનમ 21 ડિસેમ્બર 2023ના રોજ મુંબઈથી પગપાળા રામલલાના દર્શનાર્થે નીકળી હતી હવે તેની યાત્રા ફક્ત 179 કિલોમીટરની જ બાકી રહી છે. તેની સાથે તેના ત્રણ મિત્રો પણ છે જેમાં એક બે મુંબઈના છે. એક મિત્ર ભોપાલનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button