નેશનલ

મુંબઈમાં વીજ ગ્રાહકોને મળશે પ્રીપેડ સ્માર્ટ મીટર; અદાણી કંપનીને સોંપાઇ મીટર બદલવાની કામગીરી

કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગે સમગ્ર દેશમાં વીજળીના મીટરને પ્રીપેડ સ્માર્ટ મીટરથી બદલવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ અંતર્ગત ‘અદાણી એનર્જી સોલ્યુશન્સ’ કંપનીને મુંબઈમાં ‘બેસ્ટ’ના 15 લાખ વીજ ગ્રાહકોના મીટર બદલવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીએ દક્ષિણ મુંબઈથી વીજળીના મીટર બદલવાનું શરૂ કર્યું છે.

બેસ્ટ પ્રશાસને સ્માર્ટ મીટર લગાવવાના કેન્દ્રના નિર્ણયનો અમલ શરૂ કરી દીધો છે. બેસ્ટના 15 લાખ વીજ ગ્રાહકોના મીટર બદલવાનું કામ 1 ડિસેમ્બરથી શરૂ થયું હતું. બેસ્ટે ગયા વર્ષે મીટર બદલવાના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. તેના દ્વારા, ‘અદાણી એનર્જી સોલ્યુશન્સ’ને વીજળી મીટર બદલવા અને 10 વર્ષ સુધી તેની જાળવણી માટે 1300 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર સબસિડી પણ આપશે. આવતા વર્ષમાં મુંબઈ શહેરમાં સાડા દસ લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને તે પછી ગ્રાહકોએ પ્રીપેડ મોડમાં વીજ વપરાશની રકમ ચૂકવવી પડશે.


જોકે, વિવિધ કારણોસર પ્રીપેડ મીટરનો ઘણો રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેસ્ટ પાસે લગભગ 200 ‘મીટર રીડર્સ’ કર્મચારીઓ છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ કર્મચારીઓનું શું? એવો સવાલ કામદાર યુનિયને ઊભો કર્યો છે અને સવાલ કર્યો છે કે અદાણી કંપનીના પોતાના લાખો ગ્રાહકો છે ત્યારે સ્માર્ટ મીટર કેમ લગાવવામાં આવતા નથી. કૉંગ્રેસના એક કોર્પોરેટરે આ યોજનાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ‘BEST ના ખાનગીકરણ તરફ આ એક પગલું છે. બેસ્ટના 40 ટકા ગ્રાહકો ઝૂંપડપટ્ટીમાં રહેનારા છે. તેઓ કેવી રીતે પ્રિપેડ મીટર વાપરી શકશે. ‘


જોકે, ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરથી ગ્રાહકોને ફાયદો થશે. આ મીટર વડે ગ્રાહક તરત જ જાણી શકશે કે તેણે કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કર્યો છે.’


આ અંગે અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીને સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામ મળ્યું છે. ઉપરાંત, આ કંપનીએ માત્ર બેસ્ટની હદમાં જ નહીં પરંતુ ઉપનગરોમાં પણ તેના પાંચ લાખ ગ્રાહકોના વીજ મીટરો બદલ્યા છે.


અધિકારીઓએ જણાવ્યું હતું. કે, ગ્રાહકો પાસે પોસ્ટપેડ અને પ્રીપેડ બંને વિકલ્પો હશે, પરંતુ પ્રીપેડ ગ્રાહકોને વીજળીના દરમાં છૂટ આપવામાં આવશે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વીજળી મીટરની કિંમત ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button