Maharashtra Govt. મુંબઈમાં હોર્ડિંગ લગાવવા નવી નીતિ અમલમાં મૂકશે

મુંબઈઃ 17 જણનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાદ ભારે ઊહાપોહ મચ્યો હતો અને સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઇને દોષીઓ પર કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદે હોર્ડિંગ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં હોર્ડિંગ લગાવવા માટે એક નવી જ પોલિસી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ અંગેની જાહેરાત મહારાષ્ટ્ર વિધાનસભાની ચાલી રહેલા ચોમાસુ સત્રમાં પ્રધાન ઉદય સામંતે કરી હતી. ચર્ચા સત્ર દરમિયાન તેમણે કહ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણીની આચારસંહિતા પૂરી થાય થાય અને પરિણામો જાહેર થાય ત્યાર બાદ હોર્ડિંગ માટેની નવી નીતિની જાહેરાત કરવામાં આવશે અને અમલમાં મૂકાશે.
આ ઉપરાંત સામંતે જણાવ્યું હતું કે 13 મેના રોજ ઘાટકોપરમાં થયેલી દુર્ઘટનાની તપાસ અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોંસલેના નેતૃત્વ હેઠળની સમિતી કરી રહી છે.
આ પણ વાંચો : ‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા
આ ચર્ચા દરમિયાન ભાજપના વિધાનસભ્ય રામ કદમે આ દુર્ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભિંડે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના સંબંધો અંગે પણ તપાસ કરવાની માગણી કરી હતી. ઉદ્ધવ ઠાકરેની આ ઘટનામાં ભૂમિકા અંગે પણ તપાસ થવી જોઇએ, એવી માગણી કદમે કરી હતી.
સામંતે આ અંગે જણાવ્યું હતું કે રેલવેની જમીન પર જ્યારે હોર્ડિંગ લગાવવામાં આવે છે ત્યારે પાલિકા પ્રશાસન પાસેથી પરવાનગી લેવામાં આવતી નથી. મુંબઈમાં આવેલા 1,025 હોર્ડિંગમાંથી 306 રેલવેની જમીન પર હોવાની માહિતી પણ તેમણે આપી હતી.