મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે સવા વર્ષમાં તૈયાર થશે
નવી દિલ્હી: દેશના સૌથી લાંબા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું બાંધકામ ઓક્ટોબર, 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે એવી માહિતી બુધવારે સંસદમાં આપવામાં આવી હતી.
રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 1,386 કિ.મી. લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનું બાંધકામ મંત્રાલય દ્વારા 56 પેકેજમાં હાથ ધરવામાં આવ્યું છે.
જૂન, 2024 સુધીમાં 26 પેકેજનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મધ્ય રેલવેમાં સિગ્નલમાં ખામીના ધાંધિયા અવિરત, હવે આ સેક્શનમાં ટ્રેનસેવા ખોરવાઈ
તેમણે એવી પણ માહિતી આપી હતી કે કામની ભૌતિક પ્રગતિ 82 ટકા છે અને અત્યાર સુધીમાં 1,136 કિલોમીટરનું બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
કામ પૂર્ણ કરવાની સુધારિત તારીખ ઓક્ટોબર, 2025 છે એમ તેમણે કહ્યું હતું.
આ કોરિડોર દ્વારા દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક મહત્ત્વના આર્થિક કેન્દ્રોને સાંકળી લેવામાં આવશે.
ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)માં આપવામાં આપેલી માહિતી મુજબ આ એક્સપ્રેસ-વે બન્યા પછી દિલ્હીથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)ના અંતરમાં 180 કિલોમીટરનું અંતર ઘટી જશે અને પ્રવાસના સમયમાં પચાસ ટકા જેટલો ઘટાડો થશે.
અન્ય એક સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 30 જૂન, 2024ના દિવસે નેશનલ હાઈવે પર કુલ 983 ટોલ પ્લાઝા ચાલી રહ્યા છે. (પીટીઆઈ)