મુલુંડના કોર્પોરેટ પાર્કમાં આગ લાગી, બચાવ કાર્ય ચાલુ
મુંબઇઃ મુંબઈના ઉપનગર મુલુંડ ખાતે છ માળના કોર્પોરેટ પાર્કમાં મંગળવારે સવારે આગ ફાટી નીકળી હતી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. BMCના જણાવ્યા અનુસાર, મુલુંડના કોર્પોરેટ પાર્કમાં સવારે 9.26 વાગ્યાની આસપાસ લાગેલી આગને કારણે કેટલાક લોકો ધુમાડાથી ભરેલી ઈમારતના વિવિધ માળ પર ફસાઇ ગયા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
આગ એલબીએસ રોડ પર ‘એવિયર કોર્પોરેટ પાર્ક’ બિલ્ડિંગના છઠ્ઠા માળ સુધી સીમિત છે અને હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન અને અન્ય વાહનો સ્થળ પર પહોંચી ગયા છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને સ્થળ પર મોજૂદ છે. આ ઘટનામાં જાનહાનિ અંગે હજી સુધી કોઇ અહેવાલ આવ્યા નથી. આગ શેના કારણે લાગી તેની કોઇ જાણકારી મળી નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટ દોસ્તી એમ્બ્રોસિયામાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ રાત્રે 11 વાગ્યાની આસપાસ લાગી હતી. આ આગમાં પણ જાનહાનિના કોઇ અહેવાલ નહોતા.