નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં સર્જાઈ ગંભીર ખામી! મુંબઈ જતી ફ્લાઈટ દિલ્હી પરત ફરી

નવી દિલ્હી: આજે સોમવારે દિલ્હીથી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઈ માટે ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેને કારણે ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. અહેવાલ મુજબ વિમાનના જમણા એન્જિનમાં ઓઇલ પ્રેશર અચાનક ઘટી ગયું હતું.

અહેવાલ મુજબ એર ઇન્ડીયાની ફ્લાઇટ AI887, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 3.20 વાગ્યે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટો બાદ પાઇલટ્સને જાણવા મળ્યું કે જમણી બાજુના એન્જિનમાં ઓઈલ પ્રેસર લગભગ શૂન્ય થઇ ગયું હતું, જેના કારણે સ્ટાન્ડર્ડ ઈમરજન્સી પ્રોસીજર શરુ કરવામાં આવી હતી અને વિમાનને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વિમાન બોઇંગનું 777-337 ER હતું. વિમાને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને નીચે ઉતારવામાં આવ્યા હતાં. એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે એન્જિન પેરામીટર વોર્નિંગ મળ્યા પછી ફ્લાઇટ ક્રૂએ સ્ટાન્ડર્ડ સેફટી પ્રોટોકોલ અનુસાર કાર્યવાહી કરી હતી. વિમાનને જરૂરી ટેકનિકલ ઇન્સ્પેકશન હેઠળ મુકવામાં આવ્યું છે. સંપૂર્ણ મંજૂરી મળ્યા બાદથી વિમાનને ફરી સર્વિસમાં જોડવામાં આવશે.

એર ઇન્ડીયાએ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફે મુસાફરોને તાત્કાલિક મદદ કરી હતી અને મુસાફરોને મુંબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

એન્જિન ફેઈલ થઇ શકતું હતું:

ઉડતા વિમાનમાં એન્જિન ઓઇલ પ્રેશર શૂન્ય થઇ જવું એ ખુબ જ ગંભીર સમસ્યા ગણવામાં આવે છે. એન્જિનના કમ્પોનન્ટ ઠંડા રાખવા અને તે સરળતાથી ચાલે એ માટે ઓઈલનું પ્રેસર લેવલ જળવાઈ રહે એ જરૂરી છે. ઓઈલ પ્રેસર ઘટી જવાથી એન્જીન ગરમ થઇ શકે છે અને એન્જિન ફેઇલ્યોર પણ થઇ શકે છે. આવી સ્થિતિમાં વિમાન ક્રેશ થવાની શક્યતા વધી જાય છે.

ચાર દિવસ પણ થઇ હતી સમસ્યા:

નોંધનીય છે કે 18 ડિસેમ્બરની રાત્રે વિજયવાડાથી વિશાખાપટ્ટનમની એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા એન્જિન સંબંધિત ટેકનિકલ ખામીની જાણ થઇ હતી, જેને કારણે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ:

નોંધનીય છે કે આ વર્ષે 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી યુનાઇટેડ કિંગડમના લંડન ગેટવિક એરપોર્ટ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યાના 32 સેકન્ડ બાદ જ બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થઈ હતી, આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતાં.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની તપાસ જાણવા મળ્યું કે ફ્યુઅલ સ્વીચમાં ટેકનીકલ ખામીને કારણે એન્જીન સુધી ઇંધણ પહોંચતું બંધ થઇ ગયું હતું.

આ પણ વાંચો…એર ઈન્ડિયાના સર્વરમાં ‘ધાંધિયા’: દેશમાં ફ્લાઈટ્સ સેવાને અસર, પ્રવાસીઓ પરેશાન…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button