મુંબઈ એરપોર્ટને દિવાળી ફળી, આ રેકોર્ડ નોંધાવ્યો
મુંબઈઃ દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં પોતાના માદરેવતન જતા હોય છે ત્યારે જાહેર પરિવહનમાં વિશેષ અવરજવર કરે છે, પરંતુ હવે એવિયેશન ક્ષેત્રે પણ લોકોની અવરજવરમાં વધારો થયો છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ)માં અગિયારમી નવેમ્બરના એક જ દિવસમાં નોંધપાત્ર સંખ્યામાં એર ટ્રાફિક નોંધાવ્યો હતો.
અગિયારમી નવેમ્બરના એક જ દિવસમાં મુંબઈ એરપોર્ટ ટ્રાફિક મૂવમેન્ટ (એટીએમ) 1,032 રહ્યો હતો, જ્યારે નવમી ડિસેમ્બર, 2018ના 1,004 એટીએમ છે. દિવાળીના તહેવારોમાં અગિયારથી 13 નવેમ્બરના એરપોર્ટ પર 5,16,562 લોકોએ અવરજવર કરી હતી, જેમાંથી ડોમેસ્ટિક સેક્ટરમાં 3,54,541 અને ઈન્ટરનેશનલ 1,62,021 લોકોનો સમાવેશ થયો હતો.
ડોમેસ્ટિક સેક્ટરમાં સૌથી વધુ લોકો અવરજવર કરે છે, જેમાં દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દુબઈ, લંડન, અબુ ધાબી અને સિંગાપોર વગેરે જગ્યાએ વિશેષ લોકોએ પ્રવાસ કર્યો હતો.
મુંબઈ એરપોર્ટના એક જ દિવસના એર ટ્રાફિકમાં ફક્ત અગિયારમી નવેમ્બરે સૌથી વધુ લોકોએ અવરજવર કરી હતી. 1,61,419 લોકોએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અવરજવર કરી હતી, જેમાં ડોમેસ્ટિક 1.07 લાખ અને ઈન્ટરનેશનલ રુટ્સમાં 53,680 લોકોનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.