મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ…

નવી દિલ્હી : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પુરજોશમાં આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 300 કિમી લાંબા પુલનું (વાઇડકટ) બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ભારતમાં પ્રથમ વખત તેના બાંધકામ માટે ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગાઉ એડવાન્સ્ડ ટ્રેક સ્લેબ લેઇંગ કારનો ઉપયોગ કરીને હાઇ-સ્પીડ ટ્રેન કામગીરી માટે પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ સ્થાપિત કરવામાં આવ્યા હતા.
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ કાર્યરત
વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ સતત ચાલી રહ્યું છે. હાલના રેલ્વે સ્ટેશન અને સેન્ટ્રલ બસ ડેપોની નજીક સ્થિત આ સ્ટેશન અનેક પ્રકારની પરિવહન સુવિધાથી સજ્જ હશે. જેના લીધે કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં વધારો કરશે. આ ઉપરાંત બુલેટ ટ્રેનના મૂળ સ્ટેશન, મુંબઈના બીકેસી સ્ટેશન પર કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ બહુમાળી ઇમારતની ટોચ પર બનાવવામાં આવશે. તેમાં 3 ભોંયરાઓ છે. આ એક વિશ્વ કક્ષાનું સ્ટેશન બની રહ્યું છે. તેના ટનલનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.
બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિકલાકની ઝડપે દોડશે
અમદાવાદથી 508 કિમી લાંબા ટ્રેક પર 1 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિવિલ બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના સ્ટીલ પુલો મેક ઇન ઇન્ડિયા હેઠળ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવ્યા છે. આ ટ્રેન રુટ મુજબ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી ઉપડીને થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ જેવા 10 સ્ટેશન પર રોકાશે અને સાબરમતી સ્ટેશન ખાતે સમાપ્ત થશે.
આપણ વાંચો : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ‘આ’ રહી નવી ડેડલાઈન, જાણો ક્યારે પ્રોજેક્ટ થશે પૂર્ણં?