2030 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બમણી કરવાનો મુકેશ અંબાણીનો પ્લાન, રોકાણકારોને થશે ફાયદો

મુંબઈ: રિલાયન્સ ભારતની જાણીતી કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક મોટી જાહેરાત કરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં એટલે કે 2030 સુધીમાં, તેઓ પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ને બમણી મોટી બનાવશે. આ જાહેરાતથી રિલાયન્સના 44 લાખથી વધુ શેરધારકોને સીધો ફાયદો થઈ શકે છે.
રોકાણકારો માટે ફાયદાકારક જાહેરાતો
ચાલુ વર્ષે રિલાયન્સના શેરમાં વધારે તેજી ન જોવા મળી નથી. પરંતુ અત્યાર સુધીમાં તેમાં લગભગ 16% નો વધારો થયો છે. મુકેશ અંબાણી 29 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં વધુ મોટી જાહેરાતો કરી શકે છે, જે રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આગામી એક વર્ષમાં રિલાયન્સ કેટલાક મહત્વના પગલાં ભરવા જઈ રહી છે, જેનાથી શેરબજારમાં મોટી હલચલ જોવા મળી શકે છે. જેમાં Jio નો IPO, નવી ફેક્ટરીઓનું લોન્ચિંગ અને AGM માં અંબાણી દ્વારા થનારી મોટી જાહેરાતોનો સમાવેશ થાય છે. HSBC એ પણ ચાર વર્ષ પછી રિલાયન્સનો શેર ખરીદવાની સલાહ આપી છે અને આગામી થોડા મહિનાઓ માટે તેનો ટાર્ગેટ પ્રાઈસ 1,630 રૂપિયા આપ્યો છે. જો રિલાયન્સ તેની યોજના પર મજબૂતીથી કામ કરે, તો કંપનીના નફા અને શેરના ભાવ બંનેમાં વધારો થશે, જે રોકાણકારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિ માસિક નફામાં ધરખમ વધારો, મુકેશ અંબાણીએ કહ્યું વર્ષની સારી શરૂઆત
Jio અને Reliance Retail બનશે વૃદ્ધિના એન્જિન
કંપનીએ 2029-30 સુધીમાં તેના નફા (EBITDA) ને બમણો કરવાની યોજના બનાવી છે. આમાં Jio (ટેલિકોમ) અને Reliance Retail નો સૌથી મોટો ફાળો રહેશે. હાલમાં જ Jioએ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે, જેનાથી તેની કમાણી વધશે. આ ઉપરાંત, રિટેલ બિઝનેસમાં પણ વૃદ્ધિના સ્પષ્ટ સંકેતો છે. વિદેશી રોકાણ કંપની CLSA માને છે કે હાલના ભાવે રિલાયન્સનો સ્ટોક ઘણો સસ્તો છે અને જો કંપનીની કમાણી વધે, તો શેરમાં મોટો ઉછાળો આવી શકે છે. CLSA અનુસાર, આગામી સમયમાં શેરની કિંમત 1,650 રૂપિયા સુધી પહોંચી શકે છે.
માત્ર ઓઈલ અને ટેલિકોમ સુધી મર્યાદિત ન રહેતા રિલાયન્સ કંપની હવે ગ્રીન એનર્જી (સૌર ઉર્જા અને બેટરી) ના ક્ષેત્રમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય 2026 સુધીમાં 10 ગીગાવોટ (GW) સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. આનાથી કંપનીના ફેક્ટરીઓ અને ડેટા સેન્ટરોનો વીજળી ખર્ચ 25 ટકા સુધી ઘટશે. નોમુરા અને ગોલ્ડમેન સૅક્સ જેવી મોટી સંસ્થાઓ માને છે કે આ નવો બિઝનેસ રિલાયન્સ માટે નફાનો મોટો સ્ત્રોત બનશે.
(Disclaimer: આ આર્ટિકલ ફક્ત માહિતી માટે છે, શેરબજારમાં રોકાણ સંબંધિત બાબતો માટે નિષ્ણાતોની સલાહ લેવી અનિવાર્ય છે.)