મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં કર્યું ₹15 કરોડનું દાન; ‘યાત્રી સેવા સદન’ની જાહેરાત…

શ્રીનાથજીઃ રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ નાથદ્વારાની મુલાકાતે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પહોંચ્યા હતા. તેમણે ભગવાન શ્રી નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી, ત્યાર બાદ પૂજ્ય વિશાલ બાવા સાહેબના આશીર્વાદ લીધા પછી તેમણે મંદિરને 15 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને આ ઉપરાંત 50 કરોડના ખર્ચે ભવ્ય પરિયોજનાની જાહેરાત કરી. આ સમાચારથી લાખો વૈષ્ણવ ભક્તોના દિલ ખુશ થઈ ગયા છે.
મુકેશ અંબાણીએ જાહેર કર્યું કે નાથદ્વારામાં ‘યાત્રી અને વરિષ્ઠ સેવા સદન’ બનશે, જેનો ખર્ચ લગભગ 50 કરોડ રૂપિયા થશે. આ આધુનિક આશ્રયમાં 100થી વધુ રૂમ, 24 કલાક મેડિકલ યુનિટ, નર્સિંગ-ફિઝિયોથેરાપી, સત્સંગ હોલ અને પુષ્ટિમાર્ગ પરંપરા મુજબ થાળ-પ્રસાદી વાળું ભોજનગૃહ હશે. ત્રણ વર્ષમાં પૂર્ણ થનારા આ સદન દરેક યાત્રાળુને સુરક્ષિત અને આધ્યાત્મિક વાતાવરણ આપશે.

આ પરિયોજના પૂજ્ય વિશાલ બાવા સાહેબની પ્રેરણાથી અને અનંત અંબાણીના સક્રિય સહયોગથી આકાર લઈ રહી છે. મુકેશ અંબાણીએ કહ્યું, “આપણને ગર્વ છે કે આપણે વૈષ્ણવ છીએ, સનાતન ધર્મ અને આચાર્ય પરંપરાના અનુયાયી છીએ. મારી વિનંતી છે કે આ સદનમાં પુષ્ટિમાર્ગની મર્યાદા અને પવિત્રતા હંમેશાં સર્વોપરિ રહે.”

પૂજ્ય વિશાલ બાવાએ અનંત અંબાણીના ‘વનતારા’ પ્રોજેક્ટની ખૂબ પ્રશંસા કરી અને તેને વિશ્વસ્તરે અનોખી પહેલ ગણાવી. તેમણે કહ્યું, “નાથદ્વારામાં બનનારું આ સેવા સદન ભક્ત-સેવાનું જીવંત પ્રતીક બનશે. અહીં દરેક યાત્રાળુને શ્રદ્ધા, કરુણા અને સેવાનો સાચો અનુભવ થશે.” શ્રીનાથજીની કૃપા અને તિલકાયત પરિવારના માર્ગદર્શન હેઠળ નાથદ્વારાને નવી ઓળખ મળશે.



