સંસદ હુમલાની 22મી વરસી પર બનેલી ઘટનાથી ડર્યા સાસંદો: જાણો કોણે શું કહ્યું?
નવી દિલ્હીઃ લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદવાની ઘટનાએ સાંસદોને ડરાવી દીધા હતા. યોગાનુયોગે 22 વર્ષ પહેલા પણ સંસદ પર હુમલો થયો હતો. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને ડિમ્પલ યાદવે આ અંગે નિવેદનો આપ્યા છે. બંનેએ જણાવ્યું હતું કે આ સંસદની સુરક્ષામાં મોટી ખામી છે.
આ ઘટના બાદ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે લોકસભામાં બનેલી ઘટનાની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે , ‘અચાનક 20 વર્ષના બે છોકરાઓ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદી પડ્યા. બંનેના હાથમાં ડબ્બો હતો, જેમાં પીળા રંગનો પાવડર હતો. તેમાંથી એક સ્પીકર તરફ આગળ વધી રહ્યો હતો. તેઓ બંને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. આ ધુમાડો હાનિકારક પણ હોઈ શકે છે. સંસદમાં સુરક્ષાની ખામી ઘણી ગંભીર બાબત છે. 22 વર્ષ અગાઉ આવી જ ઘટના બની હતી. 2001ના 13 ડિસેમ્બરના રોજ દેશના સંસદ ભવન પર હુમલો થયો હતો.
સંસદમાં સુરક્ષાની ખામી પર સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જે લોકો સંસદમાં આવ્યા હતા તે દર્શક અથવા પત્રકાર હતા. તેમની પાસે ટેગ નહોતા. આ એક સંપૂર્ણ સુરક્ષા ક્ષતિ છે. લોકસભાની અંદર કંઈ પણ થઈ શક્યું હોત. સરકારે આ બાબતને ઘણી ગંભીરતાથી લેવી જોઇએ.
આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બે જણ લોકસભામાં કૂદી પડ્યા. તેમણે કંઈક ફેંક્યું જેના કારણે ગેસ નીકળવા લાગ્યો. સાંસદોએ તેમને પકડી લીધા અને બાદમાં સુરક્ષાકર્મીઓ તેમને બહાર લઈ ગયા. ત્યાર બાદ સંસદની કાર્યવાહી ટૂંક સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ એક ગંભીર બાબત છે, કારણ કે આજે 2001માં સંસદ ભવન પર થયેલા હુમલાની વરસી છે.