કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને મોટી ભેટ આપી છે. જેમાં સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર, કેન્દ્રએ 1 એપ્રિલ, 2023 થી સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં વધારો(MP Salary Increased)કર્યો છે.
જાહેરનામામાં જણાવાયું છે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો પગાર હાલના રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 1.24 લાખ પ્રતિ માસ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું રૂપિયા 2000 થી વધારીને રૂપિયા 2500 કરવામાં આવ્યું છે. સાત વર્ષ પછી સાંસદોના પગાર ભથ્થામા મોટો વધારો થયો છે.
આપણ વાંચો: Gujarat ની 157 નગરપાલિકાના કર્મચારીઓએ ઉચ્ચારી તબીબી ભથ્થાં મુદ્દે હડતાળની ચીમકી
પેન્શન પણ વર્તમાન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા
આ ઉપરાંત ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતું પેન્શન પણ વર્તમાન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષથી વધુ સેવાના દરેક વર્ષ માટે વધારાનું પેન્શન અગાઉના રૂપિયા 2,000 થી વધારીને રૂપિયા 2,500 કરવામાં આવ્યું છે.
સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને આપવામાં આવતા પગાર અને ભથ્થામાં પ્રથમ સુધારો એપ્રિલ 2018 માં જાહેર કરવામાં આવ્યો હતો.
દૈનિક ભથ્થા તરીકે 2,000 રૂપિયા મળે છે
વર્ષ 2018 માં સુધારામાં જાહેર કરાયેલ સાંસદોનો મૂળ પગાર દર મહિને 1,00,000 રૂપિયા હતો. આ રકમ નક્કી કરવાનો હેતુ તેમના પગારને ફુગાવાના દર અને વધતા જતા જીવન ખર્ચ સાથે સુસંગત બનાવવાનો હતો. 2018ના સુધારા મુજબ, સાંસદોને તેમના કાર્યાલયોને અપડેટ રાખવા અને તેમના સંબંધિત જિલ્લાઓમાં મતદારો સાથે વાતચીત કરવાના ખર્ચ માટે મતવિસ્તાર ભથ્થા તરીકે 70,000 રૂપિયાનું ભથ્થું મળે છે.
આ ઉપરાંત તેમને સંસદીય સત્રો દરમિયાન ઓફિસ ભથ્થા તરીકે દર મહિને 60,000 રૂપિયા અને દૈનિક ભથ્થા તરીકે 2,000 રૂપિયા મળે છે. આ ભથ્થાઓમાં પણ હવે વધારો કરવામાં આવશે.
આપણ વાંચો: બેકારનું લેબલ ભૂંસવું છે? આ જગ્યા માટે એપ્લાય કરો…
સાંસદોને વાર્ષિક 50,000 યુનિટ વીજળી ફ્રી
આ ઉપરાંત સાંસદોને ફોન અને ઇન્ટરનેટના ઉપયોગ માટે વાર્ષિક ભથ્થું પણ મળે છે. તેઓ પોતાના અને તેમના પરિવાર માટે દર વર્ષે 34 મફત સ્થાનિક ફ્લાઇટ્સ અને વ્યાવસાયિક અને વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ સમયે ફર્સ્ટ-ક્લાસ ટ્રેન મુસાફરીનો આનંદ માણે છે.
તેઓ રસ્તાનો ઉપયોગ કરવા બદલ માઇલેજ ભથ્થું પણ મેળવી શકે છે. સાંસદોને વાર્ષિક 50,000 યુનિટ વીજળી અને 4000 કિલોલીટર પાણીની મફત સુવિધા પણ મળે છે.
નવી દિલ્હીમાં ભાડામુક્ત રહેઠાણ
સરકાર તેમના રહેઠાણ અને રહેવાની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખે છે. તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, સાંસદોને નવી દિલ્હીમાં ભાડામુક્ત રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. તેઓ તેમની વરિષ્ઠતાના આધારે હોસ્ટેલ રૂમ, એપાર્ટમેન્ટ અથવા બંગલા મેળવી શકે છે. જે વ્યક્તિઓ સત્તાવાર રહેઠાણનો ઉપયોગ કરવા માંગતા નથી તેઓ માસિક આવાસ ભથ્થું મેળવવા માટે પાત્ર છે.