સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો તેમને ક્લીનચીટ ન આપતા….
નવી દિલ્હી: શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું હતું કે જો કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ ભવિષ્યમાં ભગવા પાર્ટીમાં એટલે કે ભાજપમાં જોડાય તો પણ તેમને કોઇ જ ક્લીનચીટ ન મળવી જોઈએ. તેમજ ભાજપે દેશને ખાતરી આપવી જોઈએ કે સાહુ ભાજપમાં જોડાય તો પણ તેમના પર કેસ ચાલુ જ રહેશે.
મહારાષ્ટ્રમાં રૂ. 70,000 કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાઓ સામેના આરોપોનો ઉલ્લેખ કરતા પ્રિયંકા ચતુર્વેદીએ ખાસ એ વાતને ઉલ્લેખ કર્યો હતો કે અજિત પવાર NCPથી અલગ થઈને જેવા ભાજપમાં જોડાયા કે તરત જ તેમની સામે ED અને ITની કાર્યવાહી પણ ખતમ થઈ ગઈ હતી. એટલે હવે કોંગ્રેસને ભ્રષ્ટ ગણાવતા પહેલા, ભાજપે દેશને ખાતરી આપવી જોઈએ કે જો આ ભ્રષ્ટ લોકો ભાજપમાં જોડાય છે તે પણ તેમના પર કાર્યવાહી ચાલુ રહેશે.
નોંધનીય છે કે કાંગ્રેસ પર કટાક્ષ કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ છે નવું ભારત, અહીં શાહી પરિવારના નામે લોકોનું શોષણ થવા દેવામાં નહીં આવે. તમે દોડીને થાકી જશો, પરંતુ કાયદો તમને છોડશે નહીં. આ ઉપરાંત લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે વિપક્ષી નેતાઓની આ જૂની પરંપરા છે, પહેલા તેઓ ભ્રષ્ટાચાર કરશે અને એકવાર પકડાઈ ગયા પછી તેને સાઇડ લાઇન કરી દેવામાં આવે છે પરંતુ તે બાબતની તપાસ નથી થતી કે આ બધામાં કોણ કોણ સામેલ છે. ખર્ખરતો તમામ પાસાઓની તપાસ થવી જોઇએ અને જે દોષી જાહેર થાય છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગે ઓડિશાના બાલાંગીરમાં સાહુના ભાઈની માલિકીની ડિસ્ટિલરી કંપની પર દરોડા પાડ્યા હતા અને અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુ રકમ જપ્ત કરી છે. અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. રોકડ રકમ એટલી બધી હતી કે નોટો ગણવા માટે નવા મશીનો મંગાવવામાં આવ્યા હતા.