
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે. દરમીયાન પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા કમલનાથ વિધાનસભાની ચૂંટણી નહીં લડે એવો નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં કમલનાથ મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ છે. તેઓ ફરી એકવાર મુખ્ય પ્રધાનની રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે હવે તેમના આ નિર્ણય ને કારણે પક્ષના કાર્યકર્તાઓને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કમલનાથે તેઓ માત્ર રાજ્યની ચૂંટણીમાં પક્ષનો પ્રચાર કરશે એમ કહ્યું છે. કમલનાથને માત્ર વિધાનસભાની ચૂંટણી લડીને છીંદવાડામાં સમય વેડફવો નથી. જોકે કમલનાથ જ રાજ્યમાં કોંગ્રેસનો મુખ્ય પ્રધાનનો ચહેરો છે એમ કહેવાઇ રહ્યું હતું. શનિવારની રેલીમાં રાહુલ ગાંધીએ કમલનાથને મુખ્ય પ્રધાનના પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં.
દરમીયાન જ્યોતિરાદિત્ય સિંધીયાએ ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી પ્રચારની તમામ જવાદારી માત્રને માત્ર કમલનાથના ખભે આવી છે. કમલનાથે હાલમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારો અંગે ચર્ચા કરી હતી. ઉમેદવારોની પસંદગી થઇ છે પણ યાદી જાહેર કરવામાં હજી સમય છે એમ તેમણે કહ્યું હતું. આ બાબતે સંબંધીત ઉમેદવારને પણ જાણ કરવામાં આવી છે એમ પણ કમલનાથે જણાવ્યું હતું.
હાલમાં રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કમલનાથ ખૂબ જ સક્રિય લાગી રહ્યાં છે. રાજ્યમાં તેઓ શરુઆતથી જ પક્ષનું નેતૃત્વ કરી રહ્યાં છે. પક્ષને જીત અપાવવાના પ્રયાસોના ભાગ રુપે તેમણે મતદારોને આકર્ષિત કરવા માટે કેટલાંક કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. ત્યાર થી જ કમલનાથ કોંગ્રેસનો ચહેરો હશે એમ કહેવાઇ રહ્યું હતું. જોકે હવે ચૂંટણી ન લડવાનો નિર્ણય કમલનાથનો છે કે કોંગ્રેસનો એ અંગે હજી સુધી કોઇ ખૂલાસો થયો નથી.