નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી લોકસભા અને રાજ્યસભામાં સાંસદની ગરિમાને ઠેસ પહોંચે એવી ઘટનાનો ઘટી રહી છે. ગઈ કાલે મગળવારે સંખ્યાબંધ વિપક્ષી સાંસદો સસ્પેન્ડ થયા બાદ સંસદ સંકુલમાં એકઠા થયા હતા, આ દરમિયાન TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરી હતી, દિલ્હી પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે.
દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એક વકીલે ફરિયાદ નોંધાવી છે, જેને પોલીસે સ્વીકારી લીધી છે. તેના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ફરિયાદીએ ઉપરાષ્ટ્રપતિના અપમાનનો દાવો કર્યો છે અને તૃણમૂલ સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
દક્ષિણ દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે કેટલાક વકીલો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું કે આ મામલો નવી દિલ્હી જિલ્લાનો છે. ફરિયાદ મળી છે અને નવી દિલ્હી જિલ્લા પોલીસને મોકલી દેવામાં આવી છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે ફરિયાદ મળી છે અને તેના આધારે વિવિધ તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ મામલો ગૃહની બહાર છે અને જો ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે તો ધરપકડ પણ થઈ શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફરિયાદના આધારે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.
સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની નવી ઇમારતના ‘મકર ગેટ’ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સભ્ય બેનર્જીએ રાજ્યસભાની કાર્યવાહી ચલાવતી વખતે અધ્યક્ષ જગદીપ ધનખરની બોલવાની શૈલીની મિમિક્રી કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સ્થળ પર હાજર હતા અને તેમણે મોબાઈલ ફોન કલ્યાણ બેનર્જીનો વીડિયો પણ શૂટ કર્યો હતો.
ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યા છે અને બીજા સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે નિંદનીય અને અસ્વીકાર્ય છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, અધોગતિની કોઈ સીમા નથી.