મધ્ય પ્રદેશના CM મોહન યાદવએ એવું તો શું કહ્યું કે પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ…..
ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડો.મોહન યાદવના અખંડ ભારત અંગેના નિવેદનને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તાત્કાલિક એક નિવેદન જારી કરીને અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની નિંદા કરી હતી. આ ઉપરાંત નિવેદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડીને રામમંદિર બનાવવામાં આવ્યું છે. તેમજ ભારતમાં ‘હિન્દુત્વ’ વિચારધારાનો વધતો પ્રવાહ ધાર્મિક સંવાદિતા અને પ્રાદેશિક શાંતિ માટે ગંભીર ખતરો છે. ભારતના બે રાજ્યો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનોનું કહેવું છે કે રામ મંદિરનું નિર્માણ અખંડ ભારત તરફનું પ્રથમ પગલું છે.
પાકિસ્તાનના આ નિવેદન પર મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે પાકિસ્તાન ભલે ગમે તેટલા સવાલો ઊભા કરે પરંતુ 1947 પહેલા અખંડ ભારત જ હતું. આજે પણ આપણા રાષ્ટ્રગીતમાં પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠાનો ઉલ્લેખ થાય છે કે જે ભૂતકાળના અખંડ ભારતનો ભાગ છે. પંજાબ, સિંધ, ગુજરાત અને મરાઠાઓને ક્યારેય હટાવી શકાય નહીં. જે રીતે આટલા વર્ષો પછી પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે જ રીતે આપણે ભારતને પણ અખંડ ભારત બનાવીને જ રહીશું. અખંડ ભારતનું અમારું સપનું હજારો વર્ષ જૂનું છે. અને આ માટે કોઈને તકલીફ ના હોવી જોઈએ. આ દેશના દરેક વ્યક્તિનું સપનું છે, જે એક દિવસ ચોક્કસપણે પૂરું થશે.
નોંધનીય મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત હનુમાન ચાલીસાના પાઠના એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે ઈતિહાસ રચાશે. રામરાજ્યની શરૂઆત થઈ ગઈ છે. ફરી એક અખંડ ભારતનું નિર્માણ થશે. સિંધ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સુધી અખંડ ભારત બનાવશે. પંજાબ ફરી એકવાર સંપૂર્ણ બનશે. નનકાના સાહિબ પણ અખંડ ભારતનો હિસ્સો બનશે. ભગવાન રામના મંદિરનું નિર્માણ એ એક પહેલ છે અખંડ ભારતની, અત્યાર સુધીમાં હિન્દુઓના હાથમાંથી ઘણું બધું છીનવી લેવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાઓ કરી કરીને ભારતને નષ્ટ કરવાના કાવતરાઓ કરવામાં આવ્યા છે. પરંતુ હવે ફરી એક અખંડ ભારતનું નિર્માણ થશે.