અમુલના પગલે મધર ડેરી, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો
મધર ડેરીએ સોમવારે છેલ્લા 15 મહિનામાં ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે દિલ્હી-એનસીઆર માર્કેટમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કરવાની જાહેરાત કરી હતી.
પહેલા અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. માત્ર 12 કલાક બાદ મધર ડેરીએ દિલ્હી-NCR માર્કેટમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ દેશની બે સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. પહેલા અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો હતો. અમૂલ બાદ હવે મધર ડેરીએ દિલ્હી-એનસીઆર માર્કેટમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાની જાહેરાત કરી છે. આમાં ટોન મિલ્કનો પણ સમાવેશ થાય છે. વધેલી કિંમતો સોમવાર, 3 જૂન, 2024થી લાગુ થઇ ગઇ છે. આ કિંમત કંપનીના દૂધના તમામ વેરિઅન્ટ્સ અને બજારો જ્યાં મધર ડેરીની કામગીરી છે ત્યાં લાગુ થયા છે. કંપનીનું કહેવું છે કે છેલ્લા 15 મહિનામાં વધી રહેલી ઈનપુટ કોસ્ટને કારણે તેને કિંમતો વધારવાની ફરજ પડી હતી. અમુલ ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યાના બાર કલાકની અંદર જ મધર ડેરીએ પણ તેના દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. અગાઉ ડિસેમ્બર 2022માં મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરી દિલ્હી-એનસીઆરમાં દરરોજ 35 લાખ લિટર તાજું દૂધ વેચે છે.
અમૂલ દૂધના ભાવમાં છેલ્લો વધારો 3 ફેબ્રુઆરી, 2023ના રોજ થયો હતો. તે સમયે એક લિટર અમૂલ ગોલ્ડ દૂધ 64 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું. જ્યારે જૂન 2021માં ફુલ ક્રીમ દૂધની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટર હતી. જો આપણે જૂન 2021 થી કિંમતો પર નજર કરીએ તો જૂન 2024 સુધીના ત્રણ વર્ષમાં દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. અમૂલની સાથે સાથે દેશની અન્ય મોટી દૂધ કંપનીઓ જેવી કે મધર ડેરી, ગોવર્ધન અને નંદિનીએ પણ દૂધના ભાવમાં સતત વધારો કર્યો છે. આંકડા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2021 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે દૂધ અને અન્ય દૂધ ઉત્પાદનોના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે.
Also Read –