યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોની નોંધણી કરવામાં આવી છે અને ૩૨,૦૦૦થી વધુ યુવાનોની લોન મંજૂર કરવામાં આવી હોવાનું રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન હેઠળ યુવાનો માટે લોન વિતરણ કાર્યક્રમને સંબોધતા આદિત્યનાથે કહ્યું કે અહીં ૧,૦૯૮ યુવા ઉદ્યોગસાહસિકો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને યુવા ઉદ્યોગસાહસિકોને બેંક તરફથી લોન મળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે આ લોન તમારા વ્યવસાયને આગળ વધારવામાં તમારો સહારો બનશે.
મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ યોજના વિકાસ અભિયાન(સીએમ-વાયયુવીએ) હેઠળ રાજ્ય સરકાર લાભાર્થીઓને ૫ લાખ રૂપિયા સુધીનો વ્યવસાય શરૂ કરવા માટે વ્યાજમુક્ત લોન આપવાની યોજના બનાવી રહી છે. વ્યાજમુક્ત લોન યુવા ઉદ્યોગસાહસિકો માટે આગળ વધવા માટે એક ઉત્તમ યોજના છે, એમ આદિત્યનાથે કહ્યું હતું.
તેની પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડતા મુખ્ય પ્રધાને જણાવ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે ફેબ્રુઆરી ૨૦૨૪માં તેના બજેટમાં જાહેરાત કરી હતી કે તે યુવાનો માટે એક યોજના લાવશે. જેના માધ્યમથી તેને વ્યાજમુક્ત લોન આપીને આર્થિક આત્મનિર્ભરતાના માર્ગ પર લઇ જવામાં આવશે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ નોંધણી થઇ ચૂકી છે. સ્ક્રીનીંગ બાદ ૧,૨૭,૦૦૦થી વધુ યુવાનોના ફોર્મ બેંકોમાં મોકલવામાં આવ્યા છે અને ૩૨,૦૦૦થી વધુ યુવાનો માટે બેંક લોન મંજૂર કરવામાં આવી છે.