પોલીસ કર્મચારીઓ હાજર હોય એવા જંકશન પર મોતનું પ્રમાણ વધુ! અહેવાલમાં તારણ
સામાન્ય રીતે લોકોમાં ધારણા છે કે ટ્રાફિક લાઇટ કરતાં જ્યાં ટ્રાફિક પોલીસ તૈનાત હોય એવા જંકશન પર ટ્રાફિક વધુ સારી રીતે મેનેજ થાય છે. આ ધારણાથી એકદમ વિરુદ્ધ સરકારી ડેટા દર્શાવે છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલથી ટ્રાફિક મેનેજ થાય છે એવા જંકશન કરતા જ્યાં પોલીસ કર્મચારીઓ હાજર હોય છે એવા જંકશન પર માર્ગ અકસ્માતોમાં વધુ લોકો મૃત્યુ પામે છે.
વધુ ચોકાવનારી બાબત તો એ છે કે પોલીસ કર્મચારીઓ સંચાલિત જંકશન પર માર્ગ અકસ્માતમાં મૃત્યુના પ્રમાણ વર્ષ 2021 કરતા વર્ષ 2022માં 17%નો વધારો થયો છે. વર્ષ 2022ના આંકડા મુજબ પોલીસ કર્મચારીઓ દ્વારા સંચાલિત રોડ ક્રોસિંગ પર 2,421 મૃત્યું થયા હતા જયારે ટ્રાફિક લાઇટ સિગ્નલ સંચાલિત જંકશન પર 2,238 મોત થયા હતા. અહેવાલ મુજબ, વર્ષ 2022 માં પોલીસ-નિયંત્રિત જંક્શન્સ પર અકસ્માતોમાં 7,733 લોકો ઘાયલ થયા હતા.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ કર્મચારીઓની તૈનાતીથી ડ્રાઈવરોને નિયમો તોડવાથી કાબૂમાં આવવા જોઈએ, પરંતુ જ્યારે પણ પોલીસકર્મીઓ બેદરકારી દાખવે અથવા ફર પરથી ગેરહાજર રહે છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન વધે છે, જેને કારણે અકસ્માત થાય છે.
સરકારી ડેટા દર્શાવે છે કે કેવી રીતે અનિયંત્રિત ક્રોસિંગ (કોઈપણ ટ્રાફિક સિગ્નલ અથવા પોલીસકર્મીઓ વિના) પર 2022 દરમિયાન મૃત્યુઆંક 24,857 હતો, આવા ક્રોસિંગ પર અકસ્માતોમાં ઘાયલોની કુલ સંખ્યા 68,833 રહી હતી.
અહેવાલ એ પણ દર્શાવે છે કે કેવી રીતે ડ્રાઇવરો T-જંકશન પર Y- જંકશન અને ફોર-આર્મ જંકશનની તુલનામાં વધુ બેદરકારી દાખવે છે. 2022 માં T-જંકશન પર અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 12,101 હતી, જે Y- અને ફોર-આર્મ જંક્શન બંને પર મૃત્યુના બમણા કરતાં વધુ છે.
જાણકારોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે, લોકો ફોર-આર્મ જંકશન પર વધુ સાવધ બની જાય છે કારણ કે ત્યાં ચારે બાજુથી ટ્રાફિક રહે છે. ટી-જંક્શન અને ખાસ કરીને જ્યાં નાના રસ્તાઓ અથવા લેન મોટા રસ્તાઓ સાથે મળે છે ત્યાં સુધી ડ્રાઇવરો બેદરકારી દાખવે છે. જો ડ્રાઇવર જમણો કે ડાબો વળાંક લેતી વખતે સાવધાની રાખતો નથી, તો સીધા જતા ટ્રાફિક સાથે અકસ્માત થવાનું જોખમ રહેલું છે.