
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થયાને બે દિવસ વિતી ગયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી વિપક્ષે એકપણ ગૃહમાં કામગીરી થવા દીધી નથી. વિપક્ષે બિહારમાં ચૂંટણી પૂર્વે ચાલી રહેલી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) તથા ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચાની માંગ પર અડગ રહ્યા હતો. ત્યારે હવે સંસદ દ્વારા ‘ઑપરેશન સિંદૂર’ની ચર્ચાની તારીખ જાહેર કરવામાં આવી છે.
વડા પ્રધાનની હાજરીમાં થશે ચર્ચા
સંસદના ચોમાસુ સત્રમાં દર અઠવાડિયે એક ચર્ચા સત્ર યોજાય એવી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી. ત્યારે હવે સંસદ દ્વારા 29 જુલાઈ 2025ને મંગળવારના રોજ ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા સત્ર યોજાશે એવી જાહેરાત કરી છે. આ ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. જોકે, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સ અને યુ.કે.ના ચાર દિવસના પ્રવાસે ગયા છે. તેઓ 29 તારીખ પહેલા ભારત પાછા આવી જશે. જેથી તેઓ ‘ઑપરેશન સિંદૂર’ અંગે સંસદમાં થનારી ચર્ચામાં ભાગ લઈ શકશે.

‘પહલગામ આતંકી હુમલા’ અંગે ચર્ચા થઈ નહીં
ચોમાસુ સત્રના બીજા દિવસે એટલે કે મંગળવારે ‘પહલગામ આતંકી હુમલા’ અંગે સંસદમાં ચર્ચા થવાની હતી. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીને કારણે તે થઈ શકી નહોતી, તેથી વિપક્ષે એક બેઠક કરીને સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રહેવા માટે સરકાર પર દબાણ લાવવાનો નિર્ણય કર્યા હતો. કારણ કે વિપક્ષ ઈચ્છે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહલગામ આતંકી હુમલો, ઑપરેશન સિંદૂર, અમેરિકાના રાષ્ટ્રપતિના દાવાઓ વગેરે બાબતોને લઈને ઊભા થયેલા પ્રશ્નોના જવાબ આપે.
ધનખડની વિદાયમાં પીએમ મોદી નહીં હોય
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે એટલે કે ગુરુવારે ગૃહની બેઠક યોજાશે, જેમાં રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂરો કરનાર સાંસદોને વિદાય આપવામાં આવશે. વિપક્ષના કેટલાક સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને પણ ગૃહમાં વિદાય આપવાની ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સત્તા પક્ષે આ માંગનો સ્વીકાર કર્યો નહોતો.