South West Monsoon: ચોમાસું નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું, હવામાન વિભાગની જાહેરાત

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો તાપ(Heatwave) પડી રહ્યો છે, એવામાં ભારતીય હવામાન વિભાગ(IMD)એ એક રાહતના સમાચાર આપ્યા છે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. અહેવાલ મુજબ ચોમાસું નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે રવિવારે આ માહિતી આપી હતી.
હવામાન વિભાગે કહ્યું ચોમાસાએ માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં પણ સમયસર આગેકૂચ કરી છે. વર્ષ 2023 માં, દક્ષિણ આંદામાન સમુદ્ર પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત 19 મેના રોજ થઈ હતી.
IMD ચોમાસાની પ્રગતિ અને શરૂઆતને ધ્યાનમાં લેવા માટે અમુક માપદંડોને અનુસરે છે. IMD મુજબ, નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરો (3 કિમી સુધી) માં માપવામાં આવતા પશ્ચિમી પવનોની તાકાત વધીને લગભગ 20 નોટ થઈ ગઈ છે. દક્ષિણપશ્ચિમ પવનો આ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમીની ઊંચાઈ સુધી પ્રવર્તી રહ્યા છે. વાદળમાં વધારો થયો હતો અને વિસ્તાર પર આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) પ્રતિ ચોરસ મીટર 200 વોટ કરતાં ઓછું નોંધાયું હતું.
IMDએ જણાવ્યું કે, “છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, બંગાળની ખાડીના કેટલાક ભાગો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે.”
IMD એ આગાહી કરી છે કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. વરસાદની આગાહી અનુસાર, આ વર્ષે ભારતમાં મોસમી વરસાદ લોગ પીરિયડ એવરેજના 106 ટકા રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 22 મે સુધી વરસાદનું ‘યલો’ અલર્ટ જાહેર કર્યું છે.