ચોમાસુ સત્રમાં ‘હંગામા’ વચ્ચે લોકસભામાં 12 બિલ પસારઃ ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે 35 કલાક ચર્ચા

નવી દિલ્હી: 21 જુલાઈએ શરૂ થયેલું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટના ગુરુવારે સમાપ્ત થયું. સત્રના પહેલા જ દિવસની સાંજે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જે શરૂઆતમાં વિવાદનો મુદ્દો બન્યો હતો. આ સિવાય સત્ર દરમિયાન અનેક મુદ્દાઓને લઈને વિપક્ષે ઘણો હોબાળો મચાવ્યો હતો. જોકે, સંસદની કાર્યવાહી દરમિયાન સરકાર દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ પણ પસાર કર્યા છે.
લોકસભામાં 14 બિલ રજૂ થયા
32 દિવસ ચાલેલા ચોમાસુ સત્રમાં 21 બેઠકો યોજાઈ હતી. જેમાં સત્તાપક્ષ દ્વારા લોકસભામાં 14 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે પૈકીના 12 બિલ પસાર થયા હતા. રાજ્યસભામાં 15 બિલ પસાર અને પરત લેવામાં આવ્યા હતા. જેમાં આવકવેરા બિલ, 2025નો પણ સમાવેશ થાય છે. બંને ગૃહોમાં પસાર થયેલા બિલમાં શિપિંગ બિલ 2025, સમુદ્ર દ્વારા માલના વહન બિલ 2025, કોસ્ટલ શિપિંગ બિલ 2025, મર્ચન્ટ શિપિંગ બિલ 2025, ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025નો સમાવેશ થાય છે. આ સિવાય સંસદમાં પસાર થયેલા બિલમાં રાષ્ટ્રીય રમતગમત વહીવટ બિલ 2025, ઓનલાઈન ગેમિંગ જાહેરાત અને નિયમન બિલ 2025નો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ચોમાસુ સત્ર 10 દિવસ વહેલું આટોપી લેવાશેઃ આવતીકાલે સત્રનું સમાપન થઈ શકે?
ઓપરેશન સિંદૂર મુદ્દે 35 કલાકથી વધુની ચર્ચા
નાદારી અને નાદારીપણાની સંહિતા (સુધારા) બિલ 2025, જાહેર ટ્રસ્ટ (જોગવાઈઓમાં સુધારો) બિલ 2025ને પસંદગી સમિતિ પાસે પરત મોકલવામાં આવ્યું છે. બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ 2025ને સંયુક્ત સમિતિ પાસે મોકલવામાં આવ્યું છે.
28 અને 29 જુલાઈએ લોકસભામાં અને 29 અને 30 જુલાઈએ રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા થઈ. લોકસભામાં આ ચર્ચા 18 કલાક અને 41 મિનિટ ચાલી, જેમાં 73 સભ્યોએ ભાગ લીધો અને વડા પ્રધાને જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં 16 કલાક અને 25 મિનિટની ચર્ચામાં 65 સભ્યોએ ભાગ લીધો અને ગૃહમંત્રીએ જવાબ આપ્યો હતો. 13 ઓગસ્ટથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે લંબાવવાનો ઠરાવ પણ સ્વીકારવામાં આવ્યો.
આ પણ વાંચો: સંસદમાં ચોમાસુ સત્રના પ્રશ્નકાળમાં વિપક્ષે મચાવ્યો હોબાળો, લોકસભાના અધ્યક્ષે કરી આકરી ટીકા
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું બાદ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે ઉપલા ગૃહની કાર્યવાહી સંભાળી હતી. હાલ, તમામ રાજકીય પક્ષો 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.