આસામનું ‘મોઇદમ’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ, શું કહ્યું જાણો સીએમે?
ગુવાહાટીઃ આસામના અહોમ વંશના સભ્યોની તેમની પ્રિય વસ્તુઓ સાથે ટીલેનુમા ઢાંચામાં દફનાવવાની વ્યવસ્થા ‘મોઈદમ’ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સાથે ‘મોઈદમ’ આ યાદીમાં સ્થાન મેળવનારી ઉત્તર-પૂર્વ ભારતની પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ બની ગઇ છે.
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે ‘મોઈદમ’ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ થાય તે માટે સુનિશ્વિત પ્રયત્નો કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. સરમાએ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર શેખાવતનો પણ આભાર માન્યો હતો. આસામના મુખ્ય પ્રધાન અહી પ્રેસ કોન્ફ્રન્સ સંબોધી રહ્યા હતા ત્યારે તેમને આ સમાચાર આપવા માટે ફોન કર્યો હતો.
ભારતમાં આયોજિત વર્લ્ડ હેરિટેજ કમિટી (ડબલ્યૂએચસી)ના 46માં સત્રમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે 2023-24 માટે યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ માટે દેશના નોમિનેશન તરીકે ‘મોઈદમ’ નું નામ આપ્યું હતું.
આ પણ વાંચો: આસામની મહિલા ટેટૂ આર્ટિસ્ટની આકોલામાં હત્યા: બોયફ્રેન્ડ ફરાર
‘મોઈદમ્સ’ એ પિરામિડ જેવી અનોખી ઢાળવાળી રચનાઓ છે, જેનો ઉપયોગ તાઈ-અહોમ રાજવંશ દ્વારા તેમના વંશના સભ્યોને તેમના મૃત્યુ પછી તેમની પ્રિય વસ્તુઓ સાથે દફનાવવા માટે કરવામાં આવતો હતો. તાઈ-અહોમ વંશે લગભગ 600 વર્ષ આસામ પર શાસન કર્યું હતું.
સરમાએ કહ્યું હતું કે ‘આસામ માટે આ એક સારા સમાચાર છે કારણ કે મોઈદમ હવે સત્તાવાર રીતે યુનેસ્કો હેરિટેજ સાઈટ છે. આ સન્માન માટે આસામ હંમેશા કેન્દ્રનું ઋણી રહેશે. આ એકલા આસામ માટે નહીં પણ દેશ માટે એક મહાન સન્માન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત માટે ખૂબ ખુશી અને ગર્વની વાત એ છે કે ‘મોઈદમ’ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે.