મોટી દુર્ઘટના ટળી: મધ્ય પ્રદેશના CM મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ લાગી, સુરક્ષિત રીતે થયો બચાવ...
Top Newsનેશનલ

મોટી દુર્ઘટના ટળી: મધ્ય પ્રદેશના CM મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ લાગી, સુરક્ષિત રીતે થયો બચાવ…

મંદસૌર: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ સાથે આજે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે. હોટ એર બલૂન એક્ટિવિટી દરમિયાન બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી.

પરંતુ સુરક્ષાકર્મીઓ દ્વારા તેઓને સુરક્ષીત રીતે બહાર કાઢીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

હવાના કારણે લાગી આગ
મંદસૌર ખાતેના ગાંધી સાગર અભ્યારણ્યની મુલાકાતે દર વર્ષે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. આ વિસ્તારમાંનું નિરીક્ષણ કરવા માટે આજે સવારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ પહોંચ્યા હતા.

તેમણે હોટ એર બલૂન એક્ટિવિટી દ્વારા અભ્યારણને નિહાળવાનું નક્કી કર્યું હતું. એવા સમયે બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી.

હોટ એર બલૂનની દેખરેખ રાખનારા લોકોએ જણાવ્યું હતું કે, “જે સમયે મુખ્ય પ્રધાન બલૂનમાં સવાર થયા હતા, ત્યારે હવાની સ્પીડ 20 કિમી/કલાકની હતી. આવા સંજોગોમાં બલૂન આગળ વધી શક્યું નહીં. પરિણામે તેની નીચેના ભાગમાં આગ લાગી હતી.”

સુરક્ષામાં કોઈ ખામી નહોતી: કલેક્ટર
મંદસૌરના કલેક્ટર અદિતિ ગર્ગે જણાવ્યું કે, “મુખ્ય પ્રધાન માત્ર બલૂન જોવા ગયા હતા. હોટ એર બલૂન ગરમ હવા દ્વારા ઉડાડવામાં આવે છે. આ પ્રક્રિયામાં તમામ સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. સુરક્ષામાં કોઈ ખામી નહોતી.”

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મુખ્ય પ્રધાન મોહન યાદવે ગાંધી સાગર ફેસ્ટિવલના ચોથા સંસ્કરણનું ઉદ્ધાટન કર્યું હતું અને ચંબલ ડેમના બેક વોટર એરિયામાં ક્રૂઝની સવારી હતી. અહીં હિંગળાજ રિસોર્ટ પાસે તેમણે રાતવાસો કર્યો હતો.

આજે સવારે તેમણે રિટ્રીટમાં બોટિંગની મજા પણ માણી હતી. હોટ એર બલૂન એક્ટિવિટીનું પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ઘટના સર્જાઈ હતી.

આ પણ વાંચો…ઉજ્જૈનથી નક્કી થશે વિશ્વનો સમય, સીએમ મોહન યાદવે રજૂ કરી યોજના

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button