નેશનલ

હિન્દુ સમાજની એકતાથી જ ભારત શક્તિશાળી બનશે: મોહન ભાગવતનું મોટું નિવેદન…

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે ભારતને લશ્કરી અને આર્થિક રીતે એટલું શક્તિશાળી બનાવવું જોઈએ કે વિશ્વની શક્તિઓ સાથે મળીને પણ તેને હરાવી શકે નહીં. તેમનું કહેવું છે કે માત્ર શક્તિથી કંઈ પ્રાપ્ત થશે નહીં, પરંતુ શક્તિની સાથે સદગુણ અને ધર્મનિષ્ઠા પણ જરૂરી છે.

જો શક્તિ સાથે નૈતિકતા ન હોય તો તે એક નિરંકુશ શક્તિ બની શકે છે જે હિંસા ફેલાવી શકે છે. આ ઇન્ટરવ્યૂ આરએસએસના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ માં પ્રકાશિત થયો છે. આ વાતચીત લગભગ બે મહિના પહેલા બેંગલુરુમાં યોજાયેલી સંઘ (અખિલ ભારતીય પ્રતિનિધિ સભા) ની ટોચની બેઠક પછી થઈ હતી.

Organiser

મોહન ભાગવતે રાષ્ટ્રીય સુરક્ષાને લઇને કહ્યું હતું કે ભારત પાસે ‘શક્તિશાળી’ બનવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભાગવતે સ્પષ્ટ કર્યું કે – સુરક્ષાની શરૂઆત ફક્ત સમાજથી થાય છે ફક્ત દેશથી નહીં. હિન્દુ સમાજની સુરક્ષા પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે ભારતની એકતા જ હિન્દુઓની સુરક્ષાની ગેરન્ટી છે.

તેમણે કહ્યું હતું કે હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને જ્યારે હિન્દુ સમાજ સશક્ત બનશે, ત્યારે જ ભારત પણ ગૌરવ પ્રાપ્ત કરશે. તેમણે પાડોશી દેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને માનવાધિકાર સંગઠનોના મૌન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હિન્દુ સમાજ પોતે મજબૂત નહીં બને, ત્યાં સુધી દુનિયામાં કોઈ તેમની ચિંતા કરશે નહીં.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે રાષ્ટ્રીય સુરક્ષા માટે બીજાઓ પર નિર્ભર ન રહેવું જોઈએ. વાસ્તવિક શક્તિ આંતરિક છે. આપણે પોતાનો બચાવ કરી શકવા સક્ષમ હોવા જોઈએ. કોઈ પણ આપણને જીતી શકવા સક્ષમ ન હોવું જોઈએ પછી ભલે અનેક શક્તિઓ એક સાથે કેમ ના આવે.

તેમણે કહ્યું હતું કે “દુનિયામાં એવી દુષ્ટ શક્તિઓ છે જે સ્વભાવે આક્રમક છે. આપણી પાસે શક્તિશાળી બનવા સિવાય કોઈ વિકલ્પ નથી કારણ કે આપણે આપણી બધી સરહદો પર દુષ્ટ શક્તિઓની દુષ્ટતા જોઈ રહ્યા છીએ. એક સદાચારી વ્યક્તિ ફક્ત તેના ગુણોને કારણે સુરક્ષિત નથી. તેથી સદગુણોને શક્તિ સાથે જોડવા જોઈએ. જ્યારે કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય ત્યારે દુષ્ટતાને બળપૂર્વક નાબૂદ કરવી જોઈએ. આપણે વિશ્વ વેપાર પર પ્રભુત્વ મેળવવા માટે આ કરી રહ્યા નથી, પરંતુ ખાતરી કરવા માટે કે દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ, સ્વસ્થ અને સશક્ત જીવન જીવી શકે.”

તેમણે એમ પણ કહ્યું કે જો વિશ્વમાં ક્યાંય પણ હિન્દુઓ પર અત્યાચાર થાય છે, તો તેમના માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને કામ કરવામાં આવશે. ભાગવતે કહ્યું હતું કે જ્યારે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતમાં લોકોએ જે રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો તે પહેલાં ક્યારેય જોવા મળ્યો ન હતો. ‘હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ કહેવા લાગ્યા છે કે અમે ભાગીશું નહીં, અમે અમારા હકો માટે લડીશું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button