નેશનલ

આગામી 20-30 વર્ષમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે: RSS પ્રમુખ મોહન ભાગવત

મથુરા: આગામી 20-30 વર્ષોમાં ભારત વિશ્વ ગુરુ બનશે અને એક હિન્દુ રાષ્ટ્ર બનશે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું. મોહન ભાગવતે વૃંદાવનમાં સુદામા કુટી આશ્રમ દ્ધારા રામાનંદી સંપ્રદાયના સ્થાપક રામાનંદાચાર્યની 726મી જન્મજયંતિ અને સુદામા કુટીના સ્થાપક સંત સુદામા દાસના વૃંદાવનમાં આગમનની શતાબ્દી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે હિન્દુઓમાં વિભાજન સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુઓમાં વિભાજનના કારણે જ પરાજય થાય છે. ભારતની ભક્તિ પરંપરાનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં ભક્તિમાંથી પ્રાપ્ત અમૃતની શક્તિ છે અને રાક્ષસો અને રાજાઓની શક્તિઓ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. તૈયારીના અભાવે સમસ્યાઓ ઊભી થાય છે.

આ પણ વાંચો : RSS વડા મોહન ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવા હિંદુઓને એક થવા આહવાન કર્યું

મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે, “હિન્દુઓ ક્યારેય દુશ્મનની બહાદુરી, વીરતા અથવા શક્તિને કારણે હાર્યા નથી. જ્યારે પણ તેઓ હાર્યા છે, ત્યારે તે ફક્ત આંતરિક વિખવાદને કારણે હાર્યા છે, પરંતુ તે ચિંતા કરવાની કોઈ વાત નથી. આપણે ચારથી પાંચસો વર્ષ સુધી મુઘલોના અત્યાચાર સહન કર્યા છે. છતાં સનાતન ધર્મ નબળો પડ્યો નથી. બધી તકલીફો સહન કરવા છતાં તે ફરીથી મજબૂત બનીને ઉભરી આવ્યો છે.

ભાગવતે કહ્યું હતું કે, “એટલા માટે જ હું કહું છું કે આગામી વીસથી ત્રીસ વર્ષોમાં ભારત એક વિશ્વ ગુરુ બનીને સુખ-શાંતિથી જીવન જીવનારો રાષ્ટ્ર બનશે, હિન્દુ રાષ્ટ્ર બનીને ઉભરશે. ભારતનો જન્મ આ જ કારણસર થયો હતો અને આ હેતુ આપણી સમક્ષ હાજર છે. આપણે તેની તૈયારી કરવામાં થોડા મોડા પડ્યા છીએ. આપણે તેના માટે એક થવું જોઈએ.”

આ પણ વાંચો : આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું એઆઈનો ઉપયોગ માનવ કલ્યાણ માટે ઇચ્છનીય

ભાગવતે કહ્યું હતું કે આપણી વિરુદ્ધ કામ કરતી આ શક્તિઓ આપણને નુકસાન પહોંચાડી શકતી નથી. જોકે, તેમણે તૈયારીના અભાવ તરફ પણ ધ્યાન દોર્યું હતું કે આપણે જે રીતે તૈયારી કરવી જોઈએ તે રીતે તૈયારી કરી નથી.
ઇતિહાસનો ઉલ્લેખ કરતા આરએસએસના વડાએ કહ્યું હતું કે આપણે આક્રમણકારો અને સુલતાનોના જુલમ વચ્ચે બલિદાન દ્વારા આપણી શક્તિ જાળવી રાખી છે. આ શક્તિ ભક્તિમાંથી પ્રાપ્ત થાય છે અને તે હંમેશા કાર્ય કરે છે.

સામાજિક એકતા પર ભાર મૂકતા મોહન ભાગવતે એમ પણ કહ્યું કે હિન્દુ સમાજ વિભાજનને કારણે પરાજિત થાય છે. શક્તિ નબળાઓ પર જુલમ કરે છે. તે નબળાઓ પર વધુ જુલમ કરે છે. જ્યારે શક્તિ હોય છે ત્યારે તે સમગ્ર વિશ્વ પર જુલમ કરે છે, પરંતુ ભારતનો ઇતિહાસ આવો નથી. આપણી પાસે અમૃતની શક્તિ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button