
નાગપુર: બુધવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત(Mohan Bhagwat)એ કરેલી એક ટિપ્પણી હાલ ચર્ચામાં છે. સંબોધન દરમિયાન ભાગવતે કહ્યું કે નેતાએ 75 વર્ષની ઉંમરે પદ છોડી દેવું જોઈએ. વિપક્ષના રાજકારણીઓ ભાગવતના આ નિવેદનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે જોડી રહ્યા છે, સપ્ટેમ્બરમાં વડાપ્રધાન મોદી 75 વર્ષના થવાના છે, જોકે મોહન ભાગવત પણ 75 વર્ષના થવાના છે.
સ્વર્ગસ્થ આરએસએસ વિચારધારક મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સંબોધન આપતા મોહન ભાગવતે આ ટીપ્પણી કરી હતી. ભાગવતે કહ્યું, “જ્યારે તમે 75 વર્ષના થાઓ છો, ત્યારે તેનો અર્થ એ છે કે તમારે હવે રોકાઈ જવું જોઈએ અને બીજાઓને સ્થાન આપવું જોઈએ.”
આ કાર્યક્રમ દરમિયાન ભાગવતે એ કહ્યું કે મોરોપંત પિંગલેનો સ્વભાવ ખૂબ જ રમૂજી હતો. તેમણે કહ્યું “મોરોપંત પિંગલેએ એક વખત કહ્યું હતું કે જો તમને 75 વર્ષના થયા પછી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારે હવે અટકી જવું જોઈએ, તમે વૃદ્ધ થઈ ગયા છો; તમારે ખસી જવું જોઈએ અને બીજા લોકો માટે જગ્યા બનાવવી જોઈએ.”
વિપક્ષે ટિપ્પણીને વડાપ્રધાન સાથે જોડી:
વિપક્ષ ભાગવતની આ ટીપ્પણીને વડાપ્રધાન મોદી સાથે જોડી રહ્યું છે. શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું, “વડાપ્રધાન મોદીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા ભાજપ નેતાઓને 75 વર્ષના થયા પછી નિવૃત્તિ લેવા દબાણ કર્યું. હવે જોવા જેવું એ હશે કે શું તેઓ હવે પોતાના પર પણ આ જ નિયમ લાગુ કરશે કે નહીં.”
કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ કહ્યુ, “માર્ગદર્શક મંડળને 75 વર્ષની વય મર્યાદા લાગુ કરીને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી તે સિદ્ધાંતવિહીન છે, પરંતુ સંકેતો સ્પષ્ટ છે કે વર્તમાન વ્યવસ્થાને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.”
ભાજપે અગાઉ આવા દાવા ફગાવ્યા હતાં:
વડાપ્રધાન મોદીએ માર્ચ મહિનામાં નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લીધી હતી, એક દાયકામાં તેમની પહેલી મુલાકાત. સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમની આ મુલાકત સંભવિત નિવૃત્તિની ચર્ચા કરવા માટે હતી.
ભાજપે તે સમયે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે આ એક નિયમિત મુલાકાત હતી.
જો કે, પાંચ વર્ષ પહેલા પણ ભાગવતે 75 ની ઉંમર નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું આપ્યું હતું, એ સમયે તેમણે મોદીને અપવાદ ગણાવ્યા હતાં.
લોકસભા ચૂંટણી સમયે પણ મુદ્દો ઉઠ્યો હતો:
ગત વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું હતું 75 વર્ષના થયા બાદ મોદીને નિવૃત્તિ આપવામાં આવશે, તેમણે મોદીના ઉત્તરાધિકારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
આ મુદ્દાના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે 75 વર્ષના થયા પછી પણ વડાપ્રધાન મોદી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે, તેઓ 2029 સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી.
આ પણ વાંચો…પાકિસ્તાનના બેવડા વલણ અંગે આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન