પ્રયાગરાજ મહાકુંભ પહેલા આ ક્રિકેટરે યમુનામાં લગાવી ડૂબકી, વીડિયો થયો વાયરલ

અલાહાબાદઃ 13મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેણે યમુનામાં ડૂબકી પણ લગાવી હતી, જેનો વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો. વીડિયો પોસ્ટ કરતી વખતે આ મોહમ્મદ કૈફ એક ફની કેપ્શન પણ લખી છે, જેના પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
મોહમ્મદ કૈફે વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બોટમાંથી કૂદીને પવિત્ર યમુના નદીના ઠંડા પાણીમાં ડુબકી લગાવતા જોવા મળે છે. કૈફે આ વીડિયોમાં લખ્યું છે કે તેમણે આ યમુનાજીમાં જ સ્વીમીંગ શીખ્યું છે. આ સમયે મોહમ્મદ કૈફનો પુત્ર પણ બોટમાં બેઠેલો જોવા મળે છે. કૈફ લાંબા સમય સુધી યમુનામાં સ્વિમિંગ કરતા રહ્યા હતા. ચાહકો આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
મોહમ્મદ કૈફની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 138 મેચોની હતી. આ મેચોમાં તેમણે 3 સદી અને 20 અડધી સદી સાથે કુલ 3377 રન નોંધાવ્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં કૈફે 13 મેચમાં 624 રન બનાવ્યા છે અને ODI ફોર્મેટમાં તેમની સફર લાંબી રહી છે. જેમાં તેમણે 125 મેચમાં 2753 રન બનાવ્યા છે. મોહમ્મદ કૈફે અંડર-19માં રમતા પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. 2000માં મોહમ્મદ કૈફે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી અને અંડર-19 વર્લ્ડ કપમાં ટાઇટલ જીત્યું હતું. કૈફ ભારતના સૌથી ચપળ ફિલ્ડરોમાંથી એક છે.
આ પણ વાંચો…IND vs AUS 4th Test: જયસ્વાલની ફિફ્ટી…પંત પણ ક્રિઝ પર, જામ્યો રસાકસી ભર્યો જંગ
મોહમ્મદ કૈફે 13 સપ્ટેમ્બર 2013ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. મોહમ્મદ કૈફ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ધર્મિષ્ઠ વ્યક્તિ છે. તેઓ લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે. ક્રિકેટના મેદાનમાં અનેક પરાક્રમો કરનાર મોહમ્મદ કૈફે પ્રેમ માટે ધર્મની દીવાલ પણ આંબી છે. તેમણે પૂજા યાદવ નામની એક હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે. તેમના દીકરાનુ ંનામ કબીર અને દીકરીનું નામ ઇવા છે. તેમનું લગ્નજીવન સફળ છે. તેમના ઘરમાં ઈદ અને દિવાળીની એમ બંને ધર્મના તહેવારો મનાવવામાં આવે છે.