
હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin)ની મુશ્કેલીઓનો વધારો થયો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે તેમને સમન્સ પાઠવ્યું હતું. અઝહરુદ્દીન HCA ના પ્રમુખ રહી ચુક્યા છે, એવો આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ થયો હતો. આ કેસમાં ED દ્વારા અઝહરુદ્દીનને પાઠવવામાં આવેલું આ પહેલું સમન્સ છે.
એક અહેવાલ મુજબ આ કેસ હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટર, ફાયર સેફટી સિસ્ટમ અને છત્રીઓની ખરીદી માટે ફાળવવામાં આવેલા રૂ. 20 કરોડના કથિત દુરુપયોગ સાથે સંબંધિત છે.
ગયા વર્ષે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ તેલંગાણામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા. HCAના ભૂતપૂર્વ અધિકારીઓ ગદ્દામ વિનોદ, શિવલાલ યાદવ અને અરશદ અયુબના નિવાસસ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડામાં EDના હાથમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે.
માહિતી અનુસાર, EDની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) હૈદરાબાદ દ્વારા નોંધાયેલી ત્રણ FIR પર આધારિત છે, જેમાં ગંભીર અનિયમિતતા, કામમાં વિલંબ અને HCAને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે HCA અધિકારીઓએ ખાનગી પક્ષો સાથે મળીને મોંઘવારી દરે ટેન્ડરો ફાળવ્યા, કામ પૂર્ણ કર્યા વિના એડવાન્સ પેમેન્ટ કર્યું અને મોટા મૂલ્યના રોકડ વ્યવહારો કરવામાં આવ્યા હતાં.