કોણ છે એ વ્યક્તિ જેના દ્વારા બનાવેલું ભોજન જ ખાય છે પીએમ નરેન્દ્ર મોદી…..
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 1950મા થયો હતો. આટલી મોટી ઉંમરના હોવા છતાં પણ તેમની ચાલ, ચપળતા અને જુસ્સો આંખે ઉડીને વળગે છે. તેમના જુસ્સાદાર ભાષણો અનેક યુવાનોને ઉત્સાહ પ્રેરિત કરે છે. આવા સમયે લોકોને સ્વાભાવિકપણે જ એવો વિચાર આવતો હશે કે તેઓ શું ખાતા હશે કે જેને કારણે તેઓ આટલા તાજગીસભર અન ચપળ તેમ જ તરોતાજા રહી શકે છે. તો ચાલો આપણે એનું રહસ્ય જાણીએ.
એમ કહેવાય છે કે વ્યક્તિનો સ્વભાવ તેના ખાનપાન પર આધાર રાખે છે. આ ઉંમરે મોદીજીની ચપળતા પાછળનું કારણ તેમનું સંતુલિત ખાનપાન છે. નરેન્દ્ર મોદીને તેમની માતા દ્વારા રાંધવામાં આવેલ ભોજન ખૂબ જ પસંદ હતું, પરંતુ દેશસેવામાં વ્યસ્ત મોદી તેમની સાથે રહેતા નહોતા. છેલ્લા 23 વર્ષથી તેઓ તેમના રસોઇયા બદ્રી મીના દ્વારા બનાવેલ ભોજન જ ખાય છે.
બદ્રી મીના રાજસ્થાનનો રહેવાસી છે. લગભગ 23 વર્ષ પહેલા કામની શોધમાં તે તેના બે મિત્રો દિનેશ મીણા અને સૂરજ મીણા સાથે ઉદયપુરથી ગુજરાતમાં આવ્યો હતો અને અહીં તેનો ભેટો મોદી સાથે થયો હતો. ત્યારથી તે મોદીની સેવામાં છે.
બદ્રી મોદીજીની દિનચર્યા અને તેમની પસંદગી અને ઋચિ અનુસાર ભોજન બનાવે છે. તેઓ જ મોદીજીના રસોડામાં તેમના ડાયટ પ્રમાણે ભોજન તેયાર કરે છે. છેલ્લા 23 વર્ષથી બદ્રી મીના જ નક્કી કરે છે કે મોદી દિવસ દરમિયાન શું ખાશે.
તેઓ તેમના ખોરાકના સમયનું પણ ધ્યાન રાખે છે. બદ્રી મીના જણાવે છે કે મોદીજીને ગુજરાતી ભોજન ઘણું જ પસંદ છે. તેઓ અઠવાડિયામાં ત્રણ વાર ખીચડી ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત મોદીજીને આહારમાં ઈડલી-સંભાર, ઢોકળા અને ઢોસા પણ ખૂબ જ પસંદ છે. મોદીજીના કિચનમાં 10 થી 12 લોકો કામ કરે છે, જેમાં બદ્રી મીના મુખ્ય છે અને બાકીના બધા તેમના હાથ નીચે કામ કરે છે. બદ્રી તેમને કામ સોંપે છે. તેમના રસોડામાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. બદ્રી જણાવે છે કે મોદીજી તેમના સ્વાસ્થ્યને લઇને ખૂબ જ સભાન છે, તેથી તેઓ હેલ્ધી ખોરાક જ પસંદ કરે છે. તેમના રસોડામાં, ખોરાકના સ્વાદ અને સ્વચ્છતા પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. બદ્રી મોદીજીના દરેક વિદેશ પ્રવાસમાં પણ તેમની સાથે હોય છે અને તેમના ભોજનનું ખાસ ધ્યાન રાખે છે. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે રસોઈયાની ટીમ એક સપ્તાહ અગાઉ જ ત્યાં પહોંચી જાય છે અને મોદીના આહાર પ્રમાણે શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવે છે.
મોદીજીને રસોઇ બનાવવાનો ઘણો શોખ છે. બાળપણમાં તો તેમની માતાને કિચનમાં મદદ કરતા હતા. હવે તો તેમની જવાબદારીઓ અને કામની વ્યસ્તતાને કારણે તેઓ જાતે રસોઇ બનાવી શકતા નથી. તેથી આ કામ બદ્રી મીના કરે છે. 2001થી બદ્રી મીના તેમની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.