આતંકવાદ વિરુદ્ધ મોદી-ટ્રમ્પના સયુંકત નિવેદન બાદ પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ પ્રથમ મુલાકાત છે. આથી આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી અને તે જ સમયે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સરહદ પાર આતંકવાદ અંગે મોટી જાહેરાત કરવામાં આવી. જેના કારણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
Also read : પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે થરુરે ખુશી વ્યક્ત કરીને શું કહ્યું, જાણો?
આતંકવાદના વિરોધમાં ભારત-અમેરિકા સાથે
હકીકતમાં, પીએમ મોદી અને ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, ‘ભારત અને અમેરિકા કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા માટે પહેલા કરતાં વધુ મજબૂતાઈથી સાથે મળીને કામ કરશે.’ દરમિયાન, પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનને સીધો જ સંદેશ આપી દીધો કે તેની જમીનનો ઉપયોગ સરહદ પારના આતંકવાદી હુમલાઓ માટે ન થાય.
પાકિસ્તાને આરોપોને ફગાવ્યાં
મોદી-ટ્રમ્પના સંયુક્ત નિવેદન બાદ મુશ્કેલીમાં મુકાયેલા પાકિસ્તાન તરફથી એ જ રાગ આલાપવામાં આવ્યો છે. શુક્રવારે પાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક સંયુક્ત નિવેદનમાં ભારત અને અમેરિકા દ્વારા પાકિસ્તાન પર લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા. પાકિસ્તાને તેને એકપક્ષીય, ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ ગણાવ્યું છે. આ નિવેદનમાં 2008ના મુંબઈ હુમલામાં પાકિસ્તાનની કથિત સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ઇસ્લામાબાદ પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
Also read : મોદી-ટ્રમ્પની મુલાકાત માત્ર પ્રતીકાત્મક હતી! બેઠક અંગે ગ્લોબલ મીડિયાએ આપ્યા આવા પ્રતિભાવો…
શું કહ્યું હતું નિવેદનમાં?
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ એક સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ પાકિસ્તાનને 26/11 મુંબઈ અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને વહેલી તકે સજા આપવા જણાવ્યું છે. તેણે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે તેના પ્રદેશનો ઉપયોગ સરહદ પારના આતંકવાદી હુમલાઓ કરવા માટે ન થાય. સંયુક્ત નિવેદનમાં, વિશ્વના દરેક ખૂણેથી આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોને નાબૂદ કરવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.