રાહુલ ગાંધીએ PM Modiને જવાબ આપી કહ્યું કે બંધારણ વાંચ્યું નથી પછી…

નંદુરબાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થયું કે બંધારણનું લાલ પુસ્તક કોરું હતું કારણ કે તેમણે બંધારણ કોઇ વખત વાંચ્યું જ નથી, એવો દાવો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું.
બંધારણમાં ભારતનો આત્મા વસેલો છે અને તેમાં બિર્સા મુંડા, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધી જેવા રાષ્ટ્રીય મહાનુભવોના સિદ્ધાંતો છે, એમ રાહુલ ગાંધીએ નંદુરબારમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું.
‘બંધારણના લાલ રંગના પુસ્તર પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેનો રંગ લાલ હોય કે ભૂરો તેનાથી અમને કોઇ ફરક પડતો નથી. બંધારણને જાળવી રાખવા અમે કટિબદ્ધ છીએ અને તેના રક્ષણ માટે અમે પોતાનો જીવ પણ આપી શકીએ છીએ. મોદીને થયું કે બંધારણનું પુસ્તક કોરું હતું, પરંતુ તેમને ખબર જ નહોતી કે તેમાં શું છે. તેમને હજી સુધી બંધારણનો અભ્યાસ કર્યો જ નથી’, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: આજે જવાહરલાલ નેહરુની જન્મ જયંતી; વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહીત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
બંધારણનું પુસ્તક કોરું નહોતું. તેમાં ભારતની આત્મા અને વિચારો છે. તેમાં આપણા દેશના મહાનુભવો જેમ કે બિર્સા મુંડા, બુદ્ધ, મહાત્મા ફુલે, ડૉ. આંબેડકર, મહાત્મા ગાંધીના સિદ્ધાંતો છે. તમે બંધારણના પુસ્તકને કોરું કહી આવા મહાનુભવોનું અપમાન કરી રહ્યા છો, એમ તેમણે કહ્યું હતું.
આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગનો લોકોને પણ નિર્ણયો લેવાની તક મળે એવી કૉંગ્રેસની ઇચ્છા હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું હતું. ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) આદિવાસીઓને ‘વનવાસી’ કહીને તેમનું અપમાન કરી રહ્યા છે, એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આદિવાસીઓ દેશના પ્રથમ માલિક છે અને જળ, જંગલ અને જમીન પર તેમનો પ્રથમ અધિકાર છે, પણ ભાજપ ઇચ્છે છે કે આદિવાસીઓ તેમના કોઇ પણ અધિકાર વગર ફક્ત જંગલમાં રહે. બિર્સા મુંડાએ આ માટે જ લડત ચલાવી હતી અને પોતાનું જીવન સમર્પણ કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.