નવી દિલ્હીઃ ટુર ઓપરેટરોના અહેવાલો મુજબ, માલદીવના શાસક પક્ષના સભ્યોએ PM મોદીની લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત માટે સોશિયલ મીડિયા પર અપશબ્દો લખ્યા બાદ ભારતમાંથી મોટા પાયે માલદિવ્સની ટૂરોના કેન્સલેશન થઇ રહ્યા છએ અને આમાંની મોટા ભાગની હનીમૂન ટૂરો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ લક્ષદ્વીપ સૌથી વધુ સર્ચ થનારું સ્થળ બની ગયું છે. પીએમ મોદીએ હાલમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ખાસ અપીલ કરી હતી. આ પછી લોકોએ ગૂગલ પર લક્ષદ્વીપ વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું છે અને સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે ઇન્ટરનેટ પર લક્ષદ્વીપ હાલમાં સૌથી વધુ સર્ચ થનારો શબ્દ બની ગયો છે. તાજેતરમાં માલદીવમાં ચીન સમર્થિત સરકાર આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ છે. માલદીવની નવી ચૂંટાયેલી સરકાર ચીનની સમર્થક છે અને તેણે ભારતને ત્યાંથી પોતાની સેના પાછી ખેંચવાની સૂચના આપી છે. ભારત હંમેશા માલદિવને મદદ કરતું રહ્યું છે. ભારતના લોકોના માલદિવ્સના પ્રવાસ પર દેશની અર્થવ્યવસ્થા નભે છે અને સ્થઆનિકોને રોજગારી મળે છે, પણ અહીંના પ્રમુખ મોઇઝુને ભારત તરફ શંકાની નજરે જુએ છે. તેમને ચીન અને તુર્કિયેની દોસ્તી વધુ પસંદ છે.
માલદીવના લોકો પણ લક્ષદ્વીપ વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. લક્ષદ્વીપ ગૂગલ પર સર્ચ કરવામાં આવતા સૌથી ફેવરિટ કીવર્ડ બની ગયો છે. લોકો લક્ષદ્વીપની સુંદરતા અને ત્યાંના પર્યટન વિશે વધુને વધુ જાણવા માંગે છે. આને ભારત વિરોધી નેતા અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. PM મોદી જ્યારે લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા ત્યારે માલદીવના શાસક પક્ષના નેતા ઝાહિદે પણ ભારતને ગાળો આપી હતી. માલદીવ પ્રવાસન માટે સૌથી પ્રિય સ્થળો પૈકીનું એક છે. ભારતના ઘણા લોકો રજાઓ ગાળવા માલદીવ જાય છે. એક અંદાજ મુજબ વર્ષે લગભગ 250,000 ભારતીયો માલદીવ જાય છે અને તેમને તેમના જીડીપીના 30% આપે છે.
માલદીવની સત્તાધારી પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી હતી અને ભારતીયો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. માલદીવના શાસક પક્ષના સભ્યો દ્વારા દુર્વ્યવહારને પગલે ભારતમાંથી મોટાપાયે પ્રવાસો અને હોટેલો રદ કરવામાં આવી છે. ઝાહિદે અગાઉ ભારતીય નાગરિકતા માંગી હતી. લક્ષદ્વીપ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીના માસ્ટરસ્ટ્રોક પછી માલદીવ સંપૂર્ણપણે સ્તબ્ધ મોડમાં આવી ગયું છે. અહીં ખાસ વાત એ છે કે પોતાની મુલાકાત દરમિયાન ન તો વડા પ્રધાને ન તો સરકારે લક્ષદ્વીપ Vs માલદીવ કર્યું હતું, પણ દેશના લોકોએ જ પોતાની આંતરસ્ફૂરણાથી તેમની ટૂરો કેન્સલ કરવા માંડી છે.
પીએમ મોદી માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ છે. આ પહેલીવાર નથી… કે તેમની મુલાકાતથી તે સ્થળની કિસ્મત જ બદલાઇ ગઇ હોય. મોદીએ ગુજરાત માટે આવું કર્યું… કેદારનાથ ધામ માટે કર્યું… કાશી માટે કર્યું… G-20માં પણ કરી દેખાડ્યું …
પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ ટાપુઓની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન સમુદ્રની નીચે ‘સ્નોર્કલિંગ’નો આનંદ માણ્યો હતો. મોદીએ આ તસવીરો પણ ‘X’ પર પોસ્ટ કરી હતી અને અરબી સમુદ્રમાં સ્થિત ટાપુઓમાં તેમના રોકાણનો ‘રોમાંચક અનુભવ’ શેર કર્યો. તેમણે લખ્યું હતું કે, ‘જે લોકો રોમાંચક અનુભવ ઈચ્છે છે, લક્ષદ્વીપ ચોક્કસપણે તેમની યાદીમાં હોવું જોઈએ. મારા રોકાણ દરમિયાન, મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો. તે કેટલો આનંદદાયક અનુભવ હતો!’ મોદીએ લક્ષદ્વીપના નૈસર્ગિક દરિયાકિનારા પરની તેમની મોર્નિંગ વોક અને બીચ ખુરશી પર બેસીને નવરાશના સમયની તસવીરો પણ શેર કરી હતી. “કુદરતી સૌંદર્ય ઉપરાંત, લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ છે,” એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ શઆંતિએ મને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે વધુ મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી.
વડાપ્રધાન મોદીજીએ લક્ષદ્વીપના 5-7 ફોટા અને વીડિયો પોસ્ટ કરતા જ પ્રવાસન, સોશિયલ મીડિયા અને માલદીવમાં જાણે કે ભૂકંપ આવી ગયો છે. સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો માલદિવ્સનો વિરોધ કરી રહ્યા છે.
લક્ષદ્વીપ સુંદરતામાં માલદીવ સાથે ચોક્કસપણે સ્પર્ધા કરી શકે છે, પરંતુ તે હજુ પણ સુવિધાઓ, સુલભતા અને વૈશ્વિક સ્વીકૃતિમાં ઘણું પાછળ છે. સરકારે આ તમામ માપદંડો પર કામ કરવું પડશે… અને આગામી 2-3 વર્ષમાં લક્ષદ્વીપને એક ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવું પડશે. આંદામાન અને નિકોબારની જેમ અહીં પણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવવા પડશે. જો આ બધું કરવામાં આવે તો દર વર્ષે કેટલાય અબજ ડોલરની આવક સરળતાથી મેળવી શકાશે. એ વાતમાં બેમત નથી કે સમગ્ર યુરોપ અને એશિયાના સંયુક્ત કરતાં ભારતમાં કુદરતી સૌંદર્ય વધુ છે, પરંતુ ભારતીય સ્થળો લક્ઝરી અને સંબંધિત ઇકોસિસ્ટમ ઓફર કરતા નથી. એકવાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, ખાનગી ક્ષેત્ર સુવિધાઓ માટે આગળ આવશે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારતનો ડંકો વાગશે.