!["PM Modi, Macron, and JD Vance engage in a high-level discussion at a Paris dinner before the AI summit."](/wp-content/uploads/2025/02/modi-macron-vance-paris-ai-dinner.webp)
પેરિસઃ પીએમ મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત માટે સોમવારે પેરિસ પહોંચ્યા હતા જ્યાં તેઓ મંગળવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સ સાથે વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ત્યારબાદ તેઓ અમેરિકાના બે દિવસના પ્રવાસે જવા રવાના થશે. પીએમ મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા ત્યારે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સેબેસ્ટિયન લેકોર્ન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ભારતીય ડાયસ્પોરાના ઘણા સભ્યો ભેગા થયા હતા અને તેમણે ‘મોદી’, ‘મોદી’ અને ‘ભારત માતાકી જયના જોરદાર નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
Welcome to Paris, my friend @NarendraModi! Nice to meet you dear @VP Vance! Welcome to all our partners for the AI Action Summit.
— Emmanuel Macron (@EmmanuelMacron) February 10, 2025
Let’s get to work! pic.twitter.com/yatkrVYv9x
આવા ઉષ્માભર્યા સ્વાગત બદલ પીએમ મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેને યાદગાર સ્વાગત ગણાવ્યું હતું. તેમણે અહીં વસતા ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને અવિરત સમર્થન બદલ પ્રશંસા કરી હતીn પીએમ મોદીએ પેરિસમાં યોજાયેલા રાત્રિ ભોજન સમારોહમાં પણ હાજરી આપી હતી જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું આલિંગન આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પીએમ મોદી યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા હતા. તેઓ પણ AI સમિટ માટે ફ્રાન્સમાં આવ્યા છે.
મંગળવારે પીએમ મોદી પેરિસમાં યોજાનારા AI શિખર સંમેલનમાં પણ હાજરી આપશે. આ સમિટમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સથી લઈને ચીનના ઉપરાષ્ટ્રપતિ સહિતના વિશ્વભરના અનેક ઉચ્ચ પ્રોફાઈલ નેતાઓએ ભાગ લીધો છે. AI અંગેના આ પેરિસ સમિતનો ઉદ્દેશ્ય વૈશ્વિક ગવર્નન્સ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેથી AIને વધુ સમાવિષ્ટ બનાવી શકાય અને વિશ્વભરના વપરાશકર્તા ઓ માટે સલામત અને પારદર્શક AI સુનિશ્ચિત કરી શકાય.
Also read: ફ્રાન્સ, અમેરિકાની મુલાકાતે રવાના થયા પીએમ મોદી, કરશે AI સંમેલનની સહ-અધ્યક્ષતા…
નોંધનીય છે કે હાલમાં ચીની સ્ટાર્ટ અપ ડીપસીકે તેના ઓછા ખર્ચે અત્યંત સચોટ અને કાર્યક્ષમ AIનું ઉત્પાદન કરી અમેરિકાના ઓપન AI ChatGPTને ભરપૂર ટક્કર આપી છે. એવા સમયે AI શિખર પરિષદની સહ-અધ્યક્ષતા કરીને ભારતે ચીનને સંકેત આપવાનો પ્રયાસ કર્યો છે કે જ્યારે અન્ય પહેલો ઉપરાંત AIના લોકશાહીકરણની વાત આવે છે ત્યારે તેના નિયમો ઘડવામાં ભારત પણ એક મહત્વપૂર્ણ હિસ્સેદાર છે.
પીએમ મોદી મેક્રોન સાથે ભારત-ફ્રાન્સ સીઇઓ ફોરમને પણ સંબોધિત કરવાના છે. તેમના સંબોધન પછી પીએમ મોદી પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે માર્સેલીમાં યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લે તેવી અપેક્ષા છે. પીએમ મોદી અને મેક્રોન માર્સેલીમાં દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે અને ત્યારબાદ ભારત ફ્રાંસ CEO ફોરમને પણ સંબોધિત કરશે. તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટનું ઉદઘાટન પણ કરશે.