શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાત દરમિયાન સમગ્ર શ્રીનગર તિરંગાના રંગમાં ઢંકાયેલું જોવા મળ્યું હતું. એટલું જ નહીં, આજની કાશ્મીર મુલાકાતથી પડોશી દેશના પેટમાં તેલ રેડાય તો નવાઈ નહીં. પીએમ મોદીએ કાશ્મીરવાસીઓ સાથે વર્તમાન હાલત અંગે ચર્ચા પણ કરી હતી.
આજે કાશ્મીરના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો બક્ષી સ્ટેડિયમ જતા જોવા મળ્યા હતા. બક્ષી સ્ટેડિયમમાં વિશાળ જનમેદનીને સંબોધન કરતા તેમણે આખી દુનિયાને સંદેશો આપ્યો કે ભલે પાકિસ્તાન આખી દુનિયામાં ખોટી અફવા ફેલાવે, પણ વાસ્તવિક્તા એ છે કે કાશ્મીરના લોકો કલમ 370 નાબૂદ થવાથી નારાજ નથી બલ્કે તેઓ ખુશ છે કે તેઓ ભારત સાથે છે.
‘ભારત માતા કી જય’ અને ‘અબકી બાર મોદી સરકાર’ના નારાથી ગુંજી ઉઠેલું સ્ટેડિયમ એ વાતની સાક્ષી પૂરતું હતું. સ્ટેડિયમમાંથી લોકોને સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ધરતી પરના સ્વર્ગ પર આવવાની અનુભૂતિ અનોખી છે. દેશવાસીઓ દાયકાઓથી આ નવા જમ્મુ કાશ્મીરની રાહ જોઇ રહ્યા હતા.
કાશ્મીરમાં પીએમ મોદીની રેલી પહેલા જ અહીંના લોકોને આ રેલીમાં ભાગ નહીં લેવાની ધમકી આપવામાં આવી હતી, પણ આવી ધમકીઓની ધરાર અવગણના કરી લોકોએ દર્શાવી આપ્યું હતું કે આ નવું કાશ્મીર છે. પીએમ મોદીના પ્રયાસોથી પરિવર્તન પામેલુ કાશ્મીર છે, જે આતંકવાદીઓની ધમકી સામે ઝુકશે નહીં. આ નવું કાશ્મીર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા કાબેલ છે.
પીએમ મોદીની સભામાં ભાગ લેવા માટે કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો સ્ટેડિયમ પહોંચ્યા હતા. એક મહિલા તો અનોખી કેપ પહેરીને સ્ટેડિયમમાં પહોંચી હતી, જેના પર ‘I love Modi’ લખ્યું હતું. આ એ જ કાશ્મીર છે, જ્યાં એક સમયે મહેબુબા મુફ્તી/ફારૂક અબ્દુલ્લા કહેતા હતા કે કાશ્મીરમાં ભારતીય ધ્વજ લહેરાવનાર કોઈ બાકી રહેશે નહી. આ એ જ કાશ્મીર છે જ્યાં કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝ કહેતા હતા કે ‘અમે’ પાકિસ્તાન જવા માંગીએ છીએ. કાશ્મીરમાં પરિવર્તનની આંધી ફૂંકાઇ છે. આ માટે કેન્દ્ર સરકાર અને તેમના નેતૃત્વ હેઠળ સશસ્ત્ર દળો તમામ શ્રેયને પાત્ર છે.
બક્ષી સ્ટેડિયમમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ મધનો બિઝનેસ ચલાવતા નાઝીમ સાથે વાત કરી હતી. વડા પ્રધાને ખુદ નાઝીમનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પીએમ મોદીની સભાની ખાસ વાત એ હતી કે તેમને સાંભળવા માટે જેટલા લોકો સ્ટેડિયમમાં હાજર હતા, તેટલા જ લોકો કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ લોકોએ પીએમ મોદી સાથે વાત પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં પોતાની રેલી દરમિયાન વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પરિવારો હંમેશા ફાયદો ઉઠાવતા રહ્યા અને કોંગ્રેસ ગેરમાર્ગે દોરતી રહી.