અગ્નિપથ યોજના દ્વારા મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી છે: કૉંગ્રેસ
નવી દિલ્હી: મોદી સરકાર અગ્નિપથ યોજનાને અમલમાં મૂકીને રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર આવશે તો લશ્કરી ભરતીની આ યોજનાને રદ કરવામાં આવશે અને દેશના દેશભક્ત જવાનોને ન્યાય આપવામાં આવશે.
કૉંગ્રેસે એમ પણ કહ્યું હતું કે અગ્નિપથ યોજના ભારતની સુરક્ષા માટે મોટું સંકટ છે. આને કારણે ભરતીનો પ્રવાહ ઘટી ગયો છે અને આગામી દાયકામાં આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટ સમાન બની રહેશે.
આ પણ વાંચો: ‘અગ્નિપથ’ યોજના પર આ શું બોલ્યા સચિન પાયલટ
અગ્નિવીર યોજના લાગુ કરીને મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કર્યા છે. અમારા ફક્ત ત્રણ સવાલ છે અને તેનો યોગ્ય જવાબ જનતા ભાજપને છેલ્લા તબક્કાના મતદાનમાં આપશે, એમ મલ્લિકાર્જુન ખડગેએ ‘એક્સ’ પર કરેલી પોેસ્ટમાં કહ્યું હતું.
શું એ વાત સાચી નથી કે અગ્નિપથને કારણે ભરતીની સંખ્યા દરવર્ષે 75,000થી ઘટીને 46,000 થઈ ગઈ છે? શું એ સાચું નથી કે દેશના સરંક્ષણ પ્રધાન વારંવાર કહી રહ્યા છે કે અગ્નિવીર યોજના અંગે ફેરવિચાર કરવામાં આવશે. તેમાં સુધારા અને વધારા કરવામાં આવશે, એમ તેમણે પૂછ્યું હતું.
આ પણ વાંચો: ઈન્ડી સરકાર અગ્નિપથ યોજના રદ કરશે, મહિલાના ખાતામાં દર મહિને રૂ. 8,500 મોકલશે: રાહુલ ગાંધી
તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (ડીએમએ) અને લશ્કર નવા જવાનોની ભરતીમાં થઈ રહેલા ઘટાડાને કારણે ચિંતાગ્રસ્ત છે કે નહીં? જે આ દાયકાના અંત સુધીમાં તેના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી જવાની શક્યતા છે.
એક તરફ દેશની સરહદો ચીનની ઘૂસણખોરી, કબજો અને અતિક્રમણના પડકારોનો સામનો કરી રહ્યો છે, જેને માટે દેશને વધુ લશ્કરી ફોજની આવશ્યકતા છે. ત્યારે બીજી તરફ મોદી સરકારે રાષ્ટ્રભક્ત યુવાનોની જિંદગી અગ્નિપથ યોજના દ્વારા ખતમ કરી નાખી છે. કૉંગ્રેસ એવી ગેરેન્ટી આપે છે કે અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવશે અને ત્યારે જ આપણા યુવાનોને ન્યાય મળશે. જય જવાન, જય કિસાન, જય હિન્દુસ્તાન, એમ ખડગેએ કહ્યું હતું.
(પીટીઆઈ)