
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરમાં સેમી-કન્ડક્ટર યુનિટ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે દેશમાં છઠ્ઠી સેમી-કન્ડક્ટર યુનિટ ઊભો કરાશે. ઉત્તર પ્રદેશ (યુપી)ના જેવર ખાતે 3,706 કરોડ રુપિયાના રોકાણથી નિર્માણ થનારા પ્લાન્ટથી લગભગ 2,000થી વધુ લોકોને રોજગારી મળશે, એમ સરકારે જણાવ્યું હતું.
3,706 કરોડનું કરવામાં આવશે રોકાણ
મોદી સરકારે આજે સેમી-કન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે. યુપીના જેવરમાં 3,706 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં દર મહિને 3.6 કરોડ ચિપ બનાવવામાં આવશે. નવા પ્રોજેક્ટમાં ખાસ કરીને ટેક્નોલોજી પર સરકાર વિશેષ ભાર આપશે, જ્યારે હજારો લોકોને રોજગારી મળશે, એમ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Vibrant Gujarat: સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટથી ગુજરાતમાં 5000 નોકરીઓની તક: માઇક્રોન CEO
2027થી ઉત્પાદન પૂરજોશમાં ચાલુ થશે
આ એચસીએલ અને ફોક્સકોનનો સંયુક્ત ઉપક્રમ છે. દેશના છઠ્ઠા સેમી-કન્ડ્કટર યુનિટને કારણે 2027થી પ્રોડ્ક્શન કાર્ય પૂરજોશમાં ચાલુ કરવામાં આવશે, જ્યારે પહેલી સ્વદેશી ચિપ 2025થી મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓપરેશન સિંદૂરમાં પણ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં ભારતને વિશેષ શક્તિ મળે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્લાન્ટમાં બનાવેલી ચિપ ક્યાં વપરાય છે?
ચીન સહિત અન્ય પડોશી રાષ્ટ્રો પરની નિર્ભરતા ઘટાડવાના ભાગરુપે કેન્દ્ર સરકારના સેમી-કન્ડક્ટર મિશનને આ યુનિટ વિશેષ પ્રોત્સાહન આપશે. આ પ્લાન્ટમાં મોબાઈલ ફોન, લેપટોપ, ઓટોમોબાઈલ, પીસી અને અન્ય પ્રકારના અનેક સાધનો માટેના ડિસ્પલે ડ્રાઈવર ચિપ્સ બનાવવામાં આવશે. આ ચિપ્સ સ્ક્રિન ચલાવવા માટે જરુરી હોય છે. આ પ્લાન્ટમાં દર મહિને 20,000 વેફર્સ બનાવવાની ક્ષમતા હશે. વેફર એટલે એક પ્રકારની પાતળી ડિસ્ક હોય છે, જેના પર ચિપ્સ બનાવાય છે. આ પ્લાન્ટમાં દર મહિને 3.6 કરોડ ચિપ્સ બનાવવાનું લક્ષ્યાંક હશે.
માર્કેટનું કદ 110 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા
લેપટોપ, મોબાઈલ ફોન, સર્વર, મેડિકલ ડિવાઈસ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ સાધનો અને અન્ય ઈલેક્ટ્રોનિક્સના નિર્માણ ક્ષેત્રે વૃદ્ધિ સાથે સેમી કન્ડક્ટરની માગ પણ વધી રહી છે. ભારત સરકાર ખાસ કરીને સેમી કન્ડક્ટરની સપ્લાય ચેઈનનું હબ બનાવવા માગે છે, જ્યારે તેના માટે ભારત સરકાર મોટો ઈન્સેન્ટિવ પણ આપે છે. ભારતમાં આ વર્ષના અંત સુધીમાં સેમી-કન્ડક્ટરનું માર્કેટ કદ 110 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા છે, જ્યારે ગ્લોબલ માર્કેટના 11 ટકા હશે. આગામી દાયકામાં દેશના જીડીપીમાં 60થી 70 ટકા યોગદાન આપી શકે છે, તેથી ભારત જ નહીં, પરંતુ જાયન્ટ અર્થતંત્રો પણ તેના પાછળ પડ્યા છે.
ઈકોસિસ્ટમ પર વિશેષ કરાય છે ફોક્સ
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર ભારતની ઓળખ, આપણા સૈન્યની ભૂમિકા અને જે નિર્ણાયક નેતૃત્વ રહ્યું તેમ જ નવો સિદ્ધાંત બન્યો છે. એનું એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે. વાસ્તવમાં દેશ માટે એ પ્રશંસનીય બાબત છે. અગાઉ પીએમ મોદીએ ઈકોસિસ્ટમ પર ફોક્સ કરવા જણાવ્યું હતું અને હાલમાં એમ થઈ રહ્યું છે. એના જ ભાગરુપે ગેસ, રસાયણના નિર્માતા ભારતમાં પોતાનો પ્લાન્ટ બનાવી રહ્યા છે.