કર્તવ્ય પથ પર ‘બંધારણ’ની ઝાંખીઃ PM Modiએ વિપક્ષને શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: આજે ભારત 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. પ્રજાસત્તાક દિવસનો મુખ્ય કાર્યક્રમ રાજધાની દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર આયોજિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સમારોહના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સહિત અન્ય મહાનુભાવો અને સમારોહમાં ઉપસ્થિત સામાન્ય લોકો કર્તવ્ય પથ રજૂ થયેલી ભવ્ય ઝાંખીઓની પ્રશંસા કરી હતી. આજના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો: પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતની ઝાંખીમાં અટલ બ્રિજ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મણિયારા રાસની જામશે રંગત
આકર્ષણનું કેન્દ્ર બંધારણની ઝાંખી
વિવિધ ઝાંખી પૈકી એક ઝાંખીનું લોકોમાં વિશેષ આકર્ષણ રહ્યું અને તે બંધારણની ઝાંખી હતી. બંધારણની ઝાંખીમાં બંધારણના પિતા ભીમરાવ આંબેડકરનો અવાજ હતો. બંધારણની ઝાંખી જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ખુશીને રોકી શક્યા નહોતા અને હાથ હલાવીને ઝાંખીનું અભિવાદન કર્યું હતું. બંધારણની ઝાંખી દ્વારા મોદી સરકારે વિપક્ષને સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો, શું તમે જાણો છો કેવી રીતે?
શું હતી ઝાંખીની વિશેષતા?
રવિવારે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (CPWD) દ્વારા કર્તવ્ય પથ પર ફૂલોથી શણગારેલી ઝાંખી દ્વારા ભારતના બંધારણની 75મી વર્ષગાંઠને ઉજાગર કરવામાં આવી હતી. ઝાંખીના આગળના ભાગમાં અશોક ચક્ર હતું, જ્યારે ભારતનું બંધારણ પાછળના ભાગમાં મૂકવામાં આવ્યું હતું. અશોક ચક્ર ‘સમયના ચક્ર’નું પ્રતિનિધિત્વ કરે છે. CPWD મુજબ અશોક ચક્રનો અર્થ એ છે કે ગતિ એ જીવન છે જ્યારે સ્થિરતાનો અર્થ અંત છે. સમગ્ર ટેબ્લો રંગબેરંગી કુદરતી ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.
બંધારણના મુદ્દે સરકારને ભીંસ
છેલ્લા કેટલાક મહિનાઓથી વિપક્ષ અને વિશેષ કરીને કોંગ્રેસ પાર્ટી બંધારણના મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કઈ રહી છે. આ માટે પાર્ટીએ તાજેતરમાં તેના અધિવેશનમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ તેમના ચૂંટણી પ્રચારમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે જો મોદી સરકાર ત્રીજી વખત જીતશે તો તે બંધારણને નાબૂદ કરશે. વિપક્ષે રાષ્ટ્રીય ચૂંટણીઓ સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી હતી. જ્યારે ભાજપ ચૂંટણીમાં “અબકી બાર, 400 પાર”નો નારા લગાવી રહી હતી, ત્યારે ચૂંટણી પરિણામ આવતા તે ફક્ત 240 બેઠકોમાં સંકેલાય ગઈ હતી.
સરકાર નિવેદન આપવા થઈ હતી મજબૂર
ચૂંટણી પરિણામો પછી બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓએ બંધારણની નકલ હાથમાં લઈને શપથગ્રહણ કર્યા હતા. વિપક્ષે બંધારણ બચાવોના નારા લગાવ્યા અને મોદી સરકારને ભીંસમાં લીધી હતી. વિપક્ષના આ મુદ્દે સરકારે સત્ર દરમિયાન કહેવું પડ્યું કે તેઓ બંધારણ સાથે કોઈપણ રીતે છેડછાડ કરી રહ્યા નથી. કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા બંધારણીય સુધારાઓને ટાંકીને ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે કોંગ્રેસે પોતાના ફાયદા માટે બંધારણ સાથે છેડછાડ કરી છે જ્યારે મોદી સરકાર ક્યારેય આવું કરશે નહીં.