વર્ચ્યુઅલ ASEAN સમિટમાં PM મોદી: ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આપ્યો સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલ રીતે ASEAN સમિટને સંબોધિત કરીને ભારત-આસિયાન સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો. આ વર્ષની સમિટની થીમ ‘ઇન્ક્લુસિવિટી અને સસ્ટેનેબિલિટી’ પર કેન્દ્રિત છે, જે ભારતની વિદેશ નીતિ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. પીએમ મોદીએ આસિયાનને ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’નો મુખ્ય આધાર ગણાવ્યો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આસિયાન પરિવાર સાથે જોડાવાની તક મળી છે અને તેઓ ખુશ છે. તેમણે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમને સફળ અધ્યક્ષતા માટે વધામણી આપી અને ફિલિપાઇન્સને ભારતના કન્ટ્રી કોઓર્ડિનેટરની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો. નવા સભ્ય તરીકે પૂર્વ તિમોરનું સ્વાગત કરતા તેમણે કહ્યું કે ભારત હંમેશા આસિયાનની નેતૃત્વ અને ઇન્ડો-પેસિફિક વિઝનનું સમર્થન કરે છે.
આપણ વાચો: ટેરિફના ટેન્શન વચ્ચે PM Modi અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, આગામી મહિને ASEAN શિખર પરિષદ યોજાશે
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને આસિયાન વિશ્વની ચાર ભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. અમે માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ ઊંડા ઐતિહાસિક સંબંધો, સમાન મૂલ્યો અને ગ્લોબલ સાઉથના સહયાત્રી તરીકે પણ જોડાયેલા છીએ. વેપાર ઉપરાંત અમે સશક્ત ભાગીદાર છીએ અને આસિયાન ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મુખ્ય સ્તંભ છે. અમારી ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસનો મજબૂત આધાર બની રહી છે.
અનિશ્ચિતતાના આ સમયમાં પણ ભારત-આસિયાન ભાગીદારીમાં પ્રગતિ થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે 21મી સદી ભારત અને આસિયાનની સદી છે. વિકસિત ભારત 2047નો લક્ષ્ય માનવજાતિ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આસિયાન સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે અને ઇન્ડો-પેસિફિકમાં આસિયાનના દૃષ્ટિકોણને સમર્થન આપતો રહેશે.



